અમદાવાદમાં રેપિડો સેવા પર 30 દિવસનો પ્રતિબંધ, આરટીઓએ આપ્યો આદેશ, જાણો કારણ

By: nationgujarat
05 Jan, 2025

અમદાવાદમાં 1 જાન્યુઆરીથી તમામ રિક્ષાઓમાં ફરજિયાત મીટરનો કાયદો લાગુ કરાયો. આ પછી રિક્ષા ચાલકોની અનેક રજૂઆતો બાદ શહેરમાં રેપિડો અને ઉબેર સામે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ આરટીઓ દ્વારા જોગવાઈના ભંગ બદલ રેપિડોને 30 દિવસ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ઉબેરને 15 દિવસમાં ટુ વ્હીલર વાહનોના ઉપયોગ બંધ કરવાની બાંહેધરી આપવા કહ્યું. શહેરમાં રિક્ષા એસોસિએશને ખાનગી એગ્રીગેટર કંપનીઓના નોન ટ્રાન્સપોર્ટ ટુ વ્હીલર બાબતે અનેક રજૂઆતો કરી હતી. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.

રેપિડો અને ઉબેર સામે આરટીઓની કાર્યવાહી

અમદાવાદ શહેરમાં રેપિડો, ઉબેર સહિતના ઓનલાઈન એપના માધ્યમથી લોકો પરિવહન કરતા થયા છે. આ દરમિયાન રિક્ષા ચાલકોએ આરટીઓમાં રેપિડો અને ઉબેર જેવી ઓનલાઈન સેવાને લઈને અનેક રજૂઆતો કરી હતી. શહેરમાં સફેદ નંબર પ્લેટના વાહનોનો ઉપયોગ કરવાની સાથે એગ્રીગેટરની જોગવાઈનો ભંગ કરવા બદલ રેપિડો અને ઉબેર સામે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ આરટીઓ જે.જે પટેલે જણાવ્યું હતું કે,  ‘અમદાવાદ આરટીઓ દ્વારા રેપિડોને ફક્ત થ્રી વ્હીલર ઓટો રિક્ષાના એગ્રીગેટર લાયસન્સ ઈશ્યૂ કર્યા હતા, પરંતુ રેપિડોએ ઓનલાઈન એપથી નોન ટ્રાન્સપોર્ટ વાહનોનો ઉપયોગ કર્યો અને એગ્રીગેટર આપેલા વાહનોના દસ્તાવેજોની વેલિડિટી પૂરી થવા છતા પેસેન્જરોની સલામતી સાથે ચેડા કરીને જોગવાઈનો ભંગ કર્યો હતો. જેથી રેડિપોની સેવા 30 દિવસ માટે સસ્પેન્ડનો નિર્ણય કર્યો. આ દરમિયાન જો રેપિડો દ્વારા નિયમ ભંગ કરાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.’

જ્યારે ઉબેરની ઓટો રિક્ષા, ફોર વ્હીલર અને ટુ વ્હીલરના દસ્તાવેજની વેલિડિટી પૂરી થઈ હોવા છતા પેસેન્જરની સલામતી સાથે ચેડા કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં ઉબેરે ફક્ત થ્રી વ્હીલર અને ફોર વ્હીલરના એગ્રીગેટર લાયસન્સ ઈશ્યૂ થવાની સામે નોન ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો. જેથી નિયમના ભંગ બદલ 15 દિવસ માટે ટુ વ્હીલર વાહનોના ઉપયોગ બંધ કરવાને લઈને બાંહેધરી આપવા જણાવ્યું.


Related Posts

Load more