BJP MLA Ramesh Tilala : શાપરમાં આવેલી 200 કરોડની જમીન રાજકોટ ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળા અને તેના મોટાભાઈ મગનભાઈ સહિતનાઓ હડપ કરવા માગતા હોવાનો આક્ષેપ ખુદ તેમના જ બહેન દયાબેન ઉંધાડે કર્યો છે. જેને કારણે ગઈકાલે શાપર પોલીસે પોતાને કોઈપણ ગુના વગર કલાકો સુધી બેસાડી રાખ્યાનો પણ આક્ષેપ કર્યો છે. જોકે પોલીસે આ આક્ષેપોને નકારી કાઢયા છે.
ખોટી સહીઓ કરી હોવાનો આરોપ
ધારાસભ્ય ટીલાળાના ભાણેજ ચેતનભાઈ ઉંધાડે જણાવ્યું કે શાપરમાં આશરે 200 કરોડ રૃપિયાની વડીલોપાર્જીત જમીન છે. જે જમીન અંગે કોર્ટમાં કેસ ચાલે છે. આ જમીન હડપ કરવા તેના મામા રમેશભાઈ ટીલાળા, મોટા મામા મગનભાઈ અને તેનો પુત્ર પ્રકાશ સહિતનાઓ પ્રયાસો કરી રહ્યા છે. એટલું જ નહીં આ માટે તેની માતા દયાબેન અને માસી કિરણબેન સુદાણીની ખોટી સહિઓ પણ કરવામાં આવ્યાનો આક્ષેપ કર્યો હતો જો કે આ બોગસ સહીઓ કોણે કરી તે વિશે અજાણ હોવાનું કહ્યું હતું.
પોલીસે પણ આપ્યો માનસિક ત્રાસ
સાથોસાથ ઉમેર્યું કે ગઈકાલે તેના માતા દયાબેન તે જમીન ખાતે શાપર ગયા હતા ત્યારે તેના મોટા મામા મગનભાઈ પણ ત્યાં પહોંચી ગયા હતા. જેણે તેની માતાને ગાળો દઈ કહ્યું હતું કે તમારી આ જગ્યા નથી, ભીખ માંગવી હોય તો રોડ ઉપર જતા રહો, તમે આ જમીનમાંથી નીકળી જાવ, અહીં ભીખ મળશે નહીં. ત્યાર પછી શાપર પોલીસને જાણ કરી હતી. જેથી તેનો સ્ટાફ આવી તેની માતા દયાબેનને પોલીસ સ્ટેશને લઈ ગયો હતો. જયાં સવારે 10.30 વાગ્યાથી રાત્રે નવેક વાગ્યા સુધી કોઈપણ ગુના વગર બેસાડી રાખ્યા હતા.
દોઢ કરોડ લઈને ચૂપ રહેવા ધમકાવ્યા
વધુમાં ચેતનભાઈએ આક્ષેપ કર્યો હતો કે શાપર પોલીસ તેના મામા રમેશભાઈ કહે એટલું જ કરે છે, અમારી કોઈ ફરિયાદો નોંધતી નથી. ગઈકાલે રાત્રે શાપર પોલીસ મથકમાં હાજર પોલીસમેનોએ તેની માતા દયાબેનને સામાવાળા જયાં કહે ત્યાં સહી કરી દેવા અને દોઢ કરોડ લઈ લેવા ધમકાવ્યા હતા.
આ આક્ષેપો અંગે ધારાસભ્ય ટીલાળાનો સંપર્ક થઈ શકયો ન હતો. જયારે શાપરના પીઆઈ રાણાએ જણાવ્યું કે પ્રકાશભાઈએ પોલીસને કોલ કરતાં પોલીસ ત્યાં ગઈ હતી. બંને પક્ષોના નિવેદનો સહિતની કાર્યવાહી કર્યા બાદ દયાબેનને બપોરે પોણા બે વાગ્યા આસપાસ જ છુટા કરાયા હતા. પરંતુ તેઓ પોતાની રીતે પોલીસ મથકના કંપાઉન્ડમાં બેસી રહ્યા હતા ! કોલ કરનાર પક્ષે દયાબેને નુકસાની કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો. જોકે આ અંગે ફરિયાદ નોંધાવવાનો ઈન્કાર કર્યો હતો.