3500 કરોડ રોકડ, સોના-ચાંદીનો રેકોર્ડ ગુમ! 6 વર્ષ અગાઉ રામમંદિર દાન ચોરીની ભવિષ્યવાણી થઈ હતી

By: Nation Gujarat Team
24 Jun, 2026

Ram Mandir Donation Row: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવેલા કરોડો રૂપિયાનું રોકડ દાન અને સોના-ચાંદીના દાગીનામાં હેરાફેરીનો મામલો હવે દેશના સૌથી મોટા નાણાકીય વિવાદો પૈકીનો એક બનતો જઈ રહ્યો છે. આ વચ્ચે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચનાના ગણતરીના મહિનાઓ બાદ, નવેમ્બર 2020માં એક ખાનગી ઓડિટ ફર્મે તેના મેનેજમેન્ટને અત્યંત બિન-વ્યાવસાયિક (ગેર-જવાબદાર) ગણાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે અહીં દાનનો કોઈ વ્યવસ્થિત રેકોર્ડ રાખવામાં નથી આવી રહ્યો.

6 વર્ષ પહેલાં આપવામાં આવેલી આ ચેતવણી અને એક મજબૂત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવાની ભલામણને ટ્રસ્ટ દ્વારા અભરાઈએ ચડાવી દેવામાં આવી હતી, જેનું પરિણામ આજે આ મોટા વિવાદ સ્વરૂપે સામે આવ્યું છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારને પોતાનો પ્રારંભિક તપાસ અહેવાલ સોંપી દીધો છે.

તમને જણાવી દઈએ કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરનારા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ 5 ફેબ્રુઆરી 2020ના રોજ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં દાગીના જેવી વસ્તુઓ સિવાય માત્ર રોકડ દાન તરીકે જ ટ્રસ્ટને અંદાજે 3,500 કરોડ રૂપિયા મળ્યા હોવાનું અનુમાન છે.

2020ના ઓડિટ રિપોર્ટમાં શું હતી ચેતવણી?

એક અહેવાલ પ્રમાણે  ટ્રસ્ટના જ એક ટોચના અધિકારીની વિનંતી પર નવેમ્બર 2020માં એક પ્રતિષ્ઠિત ખાનગી ઓડિટ ફર્મે ઈન્ટરનલ ઓડિટ અને રિસ્ક મેનેજમેન્ટને લઈને એક વિગતવાર સમીક્ષા અહેવાલ સોંપ્યો હતો. આ અહેવાલમાં ગંભીર ખામીઓને ઉજાગર કરવામાં આવી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, કામગીરીના સ્તરે મેનેજમેન્ટની કોઈ સ્પષ્ટ રૂપરેખા નથી. ડેટા મેનેજમેન્ટ અને સ્ટાફ અત્યંત બિન-વ્યાવસાયિક છે, જેના કારણે ભ્રામક અને શંકાસ્પદ માહિતી સામે આવી શકે છે. વ્યવહાર અથવા ડેટા એન્ટ્રીના કોઈ પણ સ્તરે સેકન્ડ કે થર્ડ ચેકની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી. જવાબદારી નક્કી કરવા માટે કોઈ સંગઠિત માળખું નહોતું.

દાગીના અને કિંમતી ધાતુઓના ગેરમેનેજમેન્ટ અંગે ફર્મે સ્પષ્ટ કહ્યું હતું કે આવા દાન માટે એક યોગ્ય સ્ટોક રજિસ્ટર જાળવવાની સખત જરૂર છે. બીજી તરફ ડેટા મેનેજમેન્ટ અંગે ઓડિટ ફર્મે કહ્યું હતું કે આઈટી સર્વિસ પ્રોવાઈડર કંપનીના સંવેદનશીલ ડેટા મેનેજમેન્ટ, સર્વર અને ડેટા ચોરીની સંવેદનશીલતાને ચકાસવા માટે કોઈ આંતરિક નિયંત્રણ નથી, જેના કારણે નાણાકીય છેતરપિંડી અથવા ડેટા ચોરીનું મોટું જોખમ રહેલું છે.

SITની શરૂઆતની તપાસમાં આ 4 મોટી ખામીઓ

ટ્રસ્ટના એક પૂર્વ એકાઉન્ટિંગ કર્મચારી દ્વારા દાનમાં હેરાફેરીના આક્ષેપો કરવામાં આવ્યા બાદ અને એક કર્મચારીના ઘરેથી 10 લાખ રૂપિયા રિકવર થયા બાદ મચેલા હોબાળા વચ્ચે 13 જૂને યુપી સરકારે 3 સદસ્યીય SITની રચના કરી હતી. લખનઉના કમિશનર વિજય વિશ્વાસ પંતના નેતૃત્વવાળી આ ટીમે સરકારને સોંપેલા પ્રાથમિક અહેવાલમાં 4 મોટી ગેરરીતિઓ ઉજાગર કરી છે.

દાન પેટીઓમાંથી રોકડ કાઢવા અને ગણતરીમાં પારદર્શિતાનો અભાવ

દાન પેટીઓમાંથી રોકડ કાઢવા, તેને કાર્યાલય સુધી લઈ જવા અને ગણવાની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા તેમજ સુરક્ષાના પગલાંની ભારે ખામી જોવા મળી છે. તમને જણાવી દઈએ કે, 2025ના મહાકુંભ દરમિયાન દરરોજ 10 લાખ શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા હતા.

સોના-ચાંદીનો રેકોર્ડ ગુમ

ત્રિમાસિક બેઠકોમાં રોકડા દાનની વિગતો તો આપવામાં આવતી હતી, પરંતુ ભક્તો દ્વારા ચડાવવામાં આવેલા સોના-ચાંદી અને હીરાના દાગીનાનો રેકોર્ડ કાં તો અધૂરો હતો અથવા સંપૂર્ણપણે ગુમ હતો.

ટેન્ડર અને ખરીદ પ્રક્રિયાઓ પર સવાલ

મંદિરની સુરક્ષા માટે તહનાત સુરક્ષાકર્મીઓના ટેન્ડર અને અન્ય સામગ્રીની ખરીદીની પ્રક્રિયાઓમાં નિયમોની અનદેખી કરવામાં આવી હોવાના સંકેતો મળ્યા છે.

ભાઈ-ભત્રીજાવાદ

તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક પ્રભાવશાળી લોકોએ મંદિર વહીવટી તંત્ર અને વીઆઈપી વ્યવસ્થાઓમાં પોતાના સગા-સંબંધીઓને નોકરીઓ અપાવી હતી.

45 દિવસનો CCTV બેકએપ બન્યો મોટો પડકાર

SIT સામે હાલમાં સૌથી મોટો ટેકનિકલ પડકાર એ છે કે મંદિર પરિસરના CCTV ફૂટેજ માત્ર 45 દિવસ સુધી જ સ્ટોર રહે છે. આવી સ્થિતિમાં જૂના ડિજિટલ પુરાવાઓના અભાવે ટીમને સાક્ષીઓ, શંકાસ્પદો અને ટ્રસ્ટના હોદ્દેદારોના નિવેદનો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. SITએ ભલામણ કરી છે કે આ બેકઅપ અવધિ વધારીને ઓછામાં ઓછી 180 દિવસ કરવામાં આવે અને દાનનું ડેઈલી રેકોર્ડિંગ તેમજ સાપ્તાહિક ઓડિટ ફરજિયાત કરવામાં આવે.


Related Posts

Load more