22 જાન્યુઆરી 2024 સોમવારની તારીખ ઈતિહાસમાં નોંધાવા જઈ રહી છે. અયોધ્યાના શ્રી રામ મંદિરમાં અભિષેકનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. દેશની સૌથી મોટી કન્સ્ટ્રક્શન કંપની L&Tએ દાવો કર્યો છે કે 1000 વર્ષ સુધી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં કંઈપણ નુકસાન થશે નહીં.એલએન્ડટીએ તેની ડિઝાઇન અને સામગ્રીને એવી રીતે પસંદ કરી છે કે ,લાંબો સમય વીતવા છતાં તેને અસર થશે નહીં. કંપનીનો દાવો છે કે તે એક માસ્ટરપીસ સાબિત થશે. તેને બનાવવામાં દેશની સંસ્કૃતિ, કલા અને લોકોની ભાવનાઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પણ આ વાતની પુષ્ટિ કરી છે.
શ્રી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યામાં લગભગ 70 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. તેનું સ્થાપત્ય નાગર શૈલીનું છે. તેની ઉત્કૃષ્ટ ડિઝાઈનના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. આ મંદિર 161.75 ફૂટ ઊંચું, 380 ફૂટ લાંબુ અને 249.5 ફૂટ પહોળું છે. ત્રણ માળના આ મંદિરમાં પાંચ મંડપ છે. આ નૃત્ય મંડપ, રંગ મંડપ, ગુડ મંડપ, કીર્તન મંડપ અને પ્રાર્થના મંડપ તરીકે ઓળખાશે. એક મુખ્ય શિખર પણ છે.
L&Tના ચેરમેન અને MD SN સુબ્રહ્મણ્યને કહ્યું કે અમે આ પ્રોજેક્ટ દેશને સમર્પિત કરતાં ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. અમે ભારત સરકાર, ઉત્તર પ્રદેશ સરકાર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, નૃપેન્દ્ર મિશ્રા અને વિશ્વ હિન્દુ પરિષદના ચંપત રાયનો અમને શ્રી રામ જન્મભૂમિ મંદિરની ડિઝાઇન અને નિર્માણ કરવાની તક આપવા બદલ આભાર માનીએ છીએ. આ બધા લોકોના સતત સહયોગથી અમે આ એન્જિનિયરિંગ માર્વલ સર્જવામાં સફળ થયા. તે હજારો વર્ષો સુધી મુલાકાતીઓને આકર્ષવાનું ચાલુ રાખશે.
તેને બનાવવા માટે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી ગુલાબી બંસી પહારપુર પત્થરો મંગાવવામાં આવ્યા છે. આ મંદિર સૌથી શક્તિશાળી ભૂકંપને પણ સરળતાથી સહન કરી શકશે. મંદિરની દરેક બાજુએ 390 સ્તંભો અને 6 મકરાણા આરસના સ્તંભો છે. તેમાં 10 હજારથી વધુ શિલ્પો અને થીમ કોતરવામાં આવી છે. મંદિરનું નિર્માણ મે 2020થી શરૂ કરવામાં આવ્યું હતું. તેના પાયા માટે IIT જેવી સંસ્થાઓની મદદ પણ લેવામાં આવી હતી. L&Tના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એમ.વી. સતીષે કહ્યું કે આ મંદિરના દરેક પથ્થરને ખૂબ જ કાળજી અને શ્રેષ્ઠ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સ્થાપિત કરવામાં આવ્યા છે.