રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓ દ્વારા વિકાસ કામોમાં પારદર્શિતા લાવવાના મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા.પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે.વિકાસના કામોની પારદર્શિતા અને નાગરિકોની જાણકારી માટે જાહેરમાં મૂકવામાં આવેલા માહિતી બોર્ડને લઈને એક વિવાદ સામે આવ્યો છે. મનપાના સત્તાધીશો વિકાસ કામોની વિગતો દર્શાવતા બોર્ડ જાહેરમાં મૂકવામાં તો સફળ રહ્યા છે પરંતુ તેમાં જે વિગતો દર્શાવવામાં આવી છે તેણે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે.આ બોર્ડ પર જવાબદાર કોન્ટ્રાક્ટરનો સંપર્ક નંબર કે વિગતવાર માહિતી આપવાને બદલે સીધો જ કોર્પોરેશનનો મોબાઈલ નંબર દર્શાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2માં હરિહર ચોક ખાતે આવેલ જૂનો બ્રિજ તોડીને ત્યાં નવું બોક્સ કલ્વર્ટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.અંદાજિત રૂ.2.20 કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલ આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવ્યું છે.આ કામગીરી પૂર્ણ થયા બાદ નિયમ મુજબ કામની વિગતો અને કોન્ટ્રાક્ટરને લગતી માહિતી દર્શાવતું સાઈટ બોર્ડ મનપા દ્વારા મૂકવામાં આવ્યું છે.આ બોર્ડની વિગતોમાં સૌથી મોટો છબરડો જોવા મળ્યો છે.કામગીરીની સત્તાવાર વિગતોમાં કોન્ટ્રાક્ટરનું માત્ર નામ લખવામાં આવ્યું છે પરંતુ જો કામમાં કોઈ ક્ષતિ સર્જાય કે નાગરિકોએ કોઈ ફરિયાદ કરવાની હોય તો તેના માટે કોન્ટ્રાક્ટરના નામ-નંબર આપવાના બદલે સીધો મનપાનો જ ફરિયાદ નંબર મૂકવામાં આવ્યો છે.
આ બાબતને લઈને સ્થાનિક સ્તરે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે જો કોન્ટ્રાક્ટરના બદલે મનપા જ બધી જવાબદારી અને ફરિયાદો સ્વીકારવાની હોય તો પછી સાઈટ બોર્ડ પર કોન્ટ્રાક્ટરના નામનો ઉલ્લેખ કરવાનો શું અર્થ? આ સમગ્ર પ્રોજેક્ટ અને વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત અગાઉના જૂના પદાધિકારીઓના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું હતું. સમય જતાં આ કામ પૂર્ણ થતા જ તાજેતરમાં જ રાજકોટ મનપાના નવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ નવા બનાવેલા બોક્સ કલ્વર્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.એક તરફ નવા પદાધિકારીઓ શહેરમાં પારદર્શક વહીવટ અને સંતોષકારક વિકાસ કામોના દાવા કરી રહ્યા છે ત્યારે લોકાર્પણ બાદ સામે આવેલા આ ટેકનિકલ કે વ્યવસ્થાકીય છબરડાએ પદાધિકારીઓની કામગીરી સામે પારદર્શિતાને લઈને સવાલો ખડા કરી દીધા છે.