Rajkot Firing News: રાજકોટ (Rajkot) ના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અહીં એક જ ગેંગ સાથે સંકળાયેલા બે મિત્રો વચ્ચે નાણાંની લેતીદેતી મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને વિસ્તારમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની હતી.
આ સનસનાટીભરી ઘટનામાં દિવ્યરાજસિંહ સરવૈયા અને રામદેવ ડાંગર નામના બે શખ્સો સામસામે આવી ગયા હતા. નાણાકીય વિવાદમાં બંનેએ આવેશમાં આવીને હવામાં અંદાજે ૪ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં થયેલા આ ગોળીબારના અવાજથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની તપાસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, ફાયરિંગ કર્યા બાદ બંને મિત્રોએ અંદરોઅંદર સમાધાન કરી લીધું હતું. આ કારણે કોઈ પણ પક્ષે એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તૈયારી બતાવી નહોતી. જોકે, જાહેરમાં થયેલા ફાયરિંગને ગંભીરતાથી લઈ પોલીસે પોતે ફરિયાદી બનવાનું નક્કી કર્યું હતું.
હાલમાં ગાંધીગ્રામ પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે દિવ્યરાજસિંહ અને રામદેવ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે કડક વલણ અપનાવી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે જેથી શહેરમાં ગુનાખોરી આચરતા તત્વોમાં ફાળ પડે.