Rajkot Civil Hospital: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે મારપીટ અને ગેરવર્તણૂકના મામલે આરોગ્ય વિભાગે ગંભીર નોંધ લીધી છે. ઘટના અંગે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. મંત્રીએ સમગ્ર ઘટનાની માહિતી મેળવી તાત્કાલિક કાર્યવાહી અને પીડિતાને સુરક્ષાની ખાતરી આપી છે.
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું કે મહિલા કર્મચારીઓ અને તબીબોના સન્માન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે. તેમણે પીડિત મહિલા તબીબને સાંજ સુધીમાં ત્વરિત ન્યાય અપાવવાની તથા સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી.
મંત્રીએ સ્પષ્ટ કર્યું કે હોસ્પિટલમાં મહિલા કર્મચારીઓ કે તબીબો સાથે ગેરવર્તણૂકના કોઈપણ કિસ્સાને ગંભીરતાથી લેવામાં આવશે. જો તપાસમાં કોઈ વ્યક્તિ દોષિત સાબિત થશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી છે.
બીજી તરફ મહિલા તબીબ સાથે મારપીટ કરવાના આરોપમાં તબીબ અશ્વિન રામાણીની પોલીસે ધરપકડ કરી છે. પ્રદ્યુમન નગર પોલીસે કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ઘટનાના સંજોગો અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
આ ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં પણ ચર્ચા તેજ બની છે. ધરપકડ બાદ આરોપી તબીબ અશ્વિન રામાણીએ મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપવાનું ટાળ્યું હતું. બીજી તરફ પીડિત મહિલા તબીબને ન્યાય અને સુરક્ષા આપવાની આરોગ્ય વિભાગે ખાતરી આપતા હવે પોલીસ તપાસ અને આગળની કાર્યવાહી પર સૌની નજર છે.