અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાલડી, નારણપુરા, વાસણા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં જમાલપુર, નરોડા, નિકોલ રોડ, કુબેરનગર, સરદારનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. તો ગાંઘીનગરમાં પણ પવન સાથે હળવો વરસાદ વરસ્યો છે.
મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
ઓગસ્ટમાં 86 વર્ષનો સૌથી ઓછો વરસાદ
જૂન-જુલાઇમાં 96 વર્ષનો સૌથી વધુ વરસાદ, ઓગસ્ટમાં 86 વર્ષનો સૌથી ઓછો વરસાદ ગુજરાતમાં જૂન-જુલાઇમાં સાડા 27 ઇંચ વરસાદે છેલ્લાં 96 વર્ષનો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ સર્જ્યો હતો. આ અગાઉ 1927ના જૂન-જુલાઇમાં સવા 30 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ઓગસ્ટમાં માત્ર દોઢ ઇંચ વરસાદે 86 વર્ષનો સૌથી ઓછા વરસાદનો રેકોર્ડ બન્યો છે.
ઓગસ્ટ મહિનામાં દોઢ ઇંચ વરસાદ
રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં સરેરાશ 9 ઇંચ વરસાદ થવો જોઇએ તેની સામે માત્ર દોઢ ઇંચ વરસાદ થતાં 89% વરસાદની ઘટ પડી છે. આ અગાઉ 1937માં 17.4 મિમી વરસાદ પડ્યો હતો. એટલે કે, 86 વર્ષ બાદ ચાલુ સાલે રાજ્યમાં ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ થયો છે. પૂણેના હવામાન વિભાગના ક્લાઇમેટ રિસર્ચ અને સર્વિસના આંકડાઓમાંથી આ માહિતી મળી છે.