Rain Update: ભારે વરસાદ વચ્ચે AMCનું હેલ્થ એલર્ટ, 71 હજારથી વધુ ક્લોરીન ગોળીઓનું વિતરણ

By: Nation Gujarat Team
24 Jul, 2026

અમદાવાદ શહેરમાં સતત પડી રહેલા ભારે વરસાદ અને ચોમાસાની ઋતુને પગલે નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે મોટો મોરચો સંભાળ્યો છે. પાણીજન્ય અને વાહકજન્ય રોગો પર નિયંત્રણ મેળવવા માટે સમગ્ર શહેરમાં યુદ્ધના ધોરણે અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને પીવાનું શુદ્ધ અને સલામત પાણી મળી રહે તે માટે ક્લોરીન ગોળીઓનું વિતરણ, ક્લોરીન ટેસ્ટિંગ અને સ્થળ પર જ મેડિકલ ટીમો દ્વારા આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા સાતેય ઝોનમાં 1,784 ક્લોરીન ટેસ્ટ કરાયા

આરોગ્ય વિભાગની 24 જુલાઈ 2026ના રોજ બપોરે 1:40 વાગ્યા સુધીની માહિતી મુજબ, શહેરના સાતેય ઝોનમાં કુલ 1,784 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પીવાના પાણીના 175 સેમ્પલ એકત્ર કરીને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.

  • ઝોન વાઈઝ ક્લોરીન ટેસ્ટ: સેન્ટ્રલ ઝોનમાં 405, વેસ્ટ ઝોનમાં 406, નોર્થ વેસ્ટ ઝોનમાં 198, સાઉથ વેસ્ટ ઝોનમાં 322, નોર્થ ઝોનમાં 138, ઈસ્ટ ઝોનમાં 277 અને સાઉથ ઝોનમાં 38 ટેસ્ટ હાથ ધરાયા.
  • પાણીના નમૂના: સેન્ટ્રલ ઝોનમાંથી 34, વેસ્ટ ઝોનમાંથી 52, નોર્થ વેસ્ટ ઝોનમાંથી 11, સાઉથ વેસ્ટ ઝોનમાંથી 12, નોર્થ ઝોનમાંથી 24, ઈસ્ટ ઝોનમાંથી 24 અને સાઉથ ઝોનમાંથી 18 સેમ્પલ લેવાયા છે.

બે દિવસમાં 71,431 ક્લોરીન ગોળીઓનું વ્યાપક વિતરણ

પાણીના શુદ્ધીકરણ માટે રોગચાળા ગ્રસ્ત અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ ઝડપી બનાવાયું છે. 23 જુલાઈના રોજ 20,474 ક્લોરીન ગોળીઓ અને 24 જુલાઈના બપોર સુધીમાં વધુ 50,957 ગોળીઓ વહેંચવામાં આવી છે. આમ, કુલ 71,431 ક્લોરીન ગોળીઓ નાગરિકો સુધી પહોંચાડવામાં આવી છે. 24 જુલાઈના રોજ સૌથી વધુ સાઉથ વેસ્ટ ઝોનમાં 22,304 અને વેસ્ટ ઝોનમાં 13,676 ગોળીઓ વિતરિત કરાઈ હતી.

24×7 મોબાઇલ મેડિકલ ટીમો સક્રિય: 4,993 દર્દીઓને આપાઈ OPD સારવાર

વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થળ પર જ તાત્કાલિક મેડિકલ સુવિધા મળી રહે તે માટે AMC દ્વારા મોબાઇલ મેડિકલ વાન અને ખાસ ટીમો તૈનાત કરાઈ છે. 23 જુલાઈના રોજ શહેરના અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં કુલ 4,993 દર્દીઓને OPD સારવાર આપવામાં આવી હતી. જેમાં ઈસ્ટ ઝોનમાં સૌથી વધુ 1,221 અને સાઉથ ઝોનમાં 1,055 દર્દીઓએ સારવાર લીધી હતી.

મચ્છરજન્ય રોગો અટકાવવા 46,000 થી વધુ મકાનોનો સર્વે અને ફોગિંગ

વાહકજન્ય રોગચાળો ફેલાતો રોકવા માટે મેલેરિયા વિભાગે 46,406 મકાનોની તપાસ કરી હતી, જેમાંથી 764 મકાનોમાં મચ્છરોના બ્રીડિંગ જોવા મળતા પોઝિટિવ નોંધાયા હતા. આ સિવાય 1,12,670 પાણી ભરાયેલા પાત્રો ચકાસતા 866 પાત્રો પોઝિટિવ મળ્યા હતા. મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા 13,994 મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યું, જેમાં 199 લીટર MLOનો ઉપયોગ કરાયો હતો.

જરૂરિયાતમંદ વિસ્તારોમાં 7,300 આહાર/ફૂડ પેકેટનું વિતરણ

પાણી ભરાવાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારો માટે AMC દ્વારા રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કુલ 7,300 ફૂડ પેકેટ વિતરિત કરવામાં આવ્યા છે. જેમાં ગોતા હાઉસિંગ (1,000), અસારવા (1,000), ઈસ્ટ ઝોન મધુમતિ વિસ્તાર (1,200), સરખેજ (500), દુધેશ્વર કંટ્રોલ રૂમ (500), શંકર ભવન (500), મલાવ તળાવ (500) સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. AMC આરોગ્ય વિભાગે નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને ખોરાકની સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે.


Related Posts

Load more