Rain Forecast: રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટાના સંકેત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપ્યાં છે. 2 ફેબ્રુઆરી બાદ ગુજરાત માવઠાનો અનુમાન વ્યક્ત કર્યો છે.
બીજી ફેબ્રુઆરીએ ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો હળવો કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ સોમવારથી
ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. કચ્છ-રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દાહોદ-પંચમહાલમાં પણ હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફેબ્રુઆરીમાં ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. ઉતર ભારતના કેટલાક વિસ્તારમાં બરફના તોફાનની આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને આ દરમિયાન છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે.
20 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં ઠંડી ઘટશે.
રાજ્યમાં ઠંડીની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં હજુ ફેબ્રુઆરીના 2 સપ્તાહ ઠંડી અનુભવાશે. ખાસ કરીને 20 ફેબ્રુઆરી બાદ તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી વધતાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે, દિવસનું તાપમાન 32 ડિગ્રી ઉપર જઇ શકે છે.
દિલ્હીમાં વરસાદની આગાહી
દિલ્હી-એનસીઆરમાં સપ્તાહના અંતે ફરી વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે વરસાદ અને ભારે પવન માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હિમાલયમાં ફરી એક પશ્ચિમી વિક્ષેપ સર્જાવાના કારણે ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી છે. દિલ્હીમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ છે. જ્યા શનિ-રવિ એમ 2 દિવસ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી હિમાલય પ્રદેશમાં એક નવી પશ્ચિમી વિક્ષેપની અસર થશે. આનાથી દિલ્હી-એનસીઆરમાં ત્રણ દિવસ સુધી વરસાદ અને ભારે પવન ફૂંકાશે.
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા
હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાને કારણે, 482 રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. તાબોમાં લઘુત્તમ તાપમાન માઈનસ 10.2 ડિગ્રી સેલ્સિયસ અને કુકુમસેરીમાં માઈનસ 9.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. કુલ્લુ, લાહૌલ-સ્પિતિ અને પાંગી વિસ્તારોમાં પણ હિમપ્રપાતની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર, 31 જાન્યુઆરી, 2 અને 3 ફેબ્રુઆરીએ રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી છે. 4-5 ફેબ્રુઆરીએ રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
હિમ વર્ષાને પગલે હિમાચલ પ્રદેશમાં ગુજરાત સહિતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તા પર કલાકો સુધી અટવાયા ગાડીઓ બંધ પડતા કિલોમીટરો સુધી ચાલીને મોંઘા ભાવની હોટલોમાં આશરો લેવા યાત્રીઓ મજબૂર થયા.હિમાચલમાં હજારો ગાડીઓ જામમાં ફસાઈ. રીલ જોઈને મજા લેવા જતા અનેકની રિયલ લાઈફ જોખમમાં મૂકાઇ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ કેરળ કિનારા પર એક ઉપલા હવાનું ચક્રવાતી પરિભ્રમણ ચાલુ છે. આને કારણે, કોમોરિન પ્રદેશ અને મન્નારના અખાત પર 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય છે અને છૂટાછવાયા સ્થળોએ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે. આગામી દિવસોમાં દેશના ઘણા ભાગોમાં અસ્થિર હવામાન રહેવાની ધારણા છે, તેથી સાવચેતી રાખવી જરૂરી છે.