આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આદિવાસી આગેવાનો અને NGO સાથે ચર્ચા કરશે

By: Nation Gujarat Team
23 Mar, 2026

ગુજરાતામં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે. કોંગ્રેસ, ભાજપ અને આપ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચૂકી છે. ત્યારે લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી આજે (23 માર્ચ 2026) ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

અંબાજીથી ઉમરગામ સુધી આવેલા આદિવાસી પટ્ટા ઉપર આદિવાસીઓના અધિકારો માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુધ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધી આજે વડોદરામાં સંવાદ કરશે.

આદિવાસી આગેવાનો અને NGO સાથે ચર્ચા કરશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બપોરે 2 વાગ્યે વડોદરા એરપોર્ટ પહોંચશે, જ્યાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો તેમનું સ્વાગત કરશે. ત્યાર બાદ બપોરે 3 વાગ્યે આજવા ચોકડી પાસે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે 1500થી વધુ આગેવાનો જોડાય તેવી શકયતા છે.

આ કાર્યક્રમમાં આદિવાસી વિસ્તારમાં કામ કરતી એનજીઓ, આદિવાસી આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓના આગેવાનો, યુવાનો, મહિલાઓ, કાર્યકરો તેમજ લોકો ઉપસ્થિત રહેશે. ઉપરાંત આદિવાસીઓના અધિકારો તેમજ તેઓ સામેના અન્યાય અંગેના મુદ્દાઓ ઉપર સભા સંબોધિત કરશે. ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવા માટેનો આ પ્રયાસ છે.

‘ગુજરાતના આદિવાસીઓ સાથે ઓરમાયા વર્તનનો આક્ષેપ’ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશમાં લોકોના સંવિધાનના અધિકારો છીનવાઈ રહ્યા છે. ચારેતરફથી અતિક્રમણ થઈ રહ્યું છે. સરકાર રક્ષણ કરવાના બદલે સમર્થન કરી રહી છે. આદિવાસી સમાજના જળ, જંગલ જમીનના અધિકારો છીનવાઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં આજે પણ માળખાકીય સુવિધાનો અભાવ જોવા મળે છે.

આજે પણ આદિવાસીઓ સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે. વિકાસ માટે બજેટમાં પણ મોટો ભેદભાવ થઈ રહ્યો છે. આદિવાસીના નામે બજેટ ફાળવાય છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગુજરાતમાં અલગ અલગ મુદ્દાઓને લઈને આદિવાસી સમાજના લોકો લડત આપી રહ્યા છે. આ સમાજ હાલમાં સંઘર્ષ કરી રહ્યો છે.

સાંજે 5 વાગ્યે રાહુલ ગાંધી દિલ્હી રવાના થશે કોંગ્રેસના સીધા સંવાદમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી સાંજે 5 વાગ્યે વડોદરા એરપોર્ટ મારફતે સીધા દિલ્હી રવાના થશે. તેઓનો આ એક દિવસનો ગુજરાતનો કાર્યક્રમ આદિવાસીઓ માટે લડત આપી રહેલા લોકોમાં જુસ્સાનો નવો સંચાર કરશે તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું.

 


Related Posts

Load more