Punjab: SIRમાં કપાઈ ગયું રાઘવ ચઢ્ઢાનું નામ, શું રાજ્યસભાની સદસ્યતા પણ જોખમમાં?

By: Nation Gujarat Team
03 Sep, 2026

આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા રાઘવ ચડ્ઢાએ પંજાબમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા વચ્ચે ગંભીર આરોપ લગવ્યા છે. ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી નામ હટી જતા તેમણે રાજ્યની આમ આદમી પાર્ટી સરકાર પર રાજકીય બદલો લેવાનો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ ચડ્ઢાના આરોપ પર પલટવાર કર્યો છે. આ બધા વચ્ચે હવે જે એક સવાલ એ ઊભો થયો છે કે શું રાઘવ ચડ્ઢાના રાજ્યસભાના સભ્યપદ પર જોખમ તોળાયું છે?

કેટલા મતદારોના નામ હટાવ્યા?
અત્રે જણાવવાનું કે પંજાબમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા હેઠળ 13 ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થઈ હતી. જેમાં રાઘવ ચડ્ઢાનું નામ શિફ્ટેડ કેટેગરીમાં દર્શાવ્યું છે. તેમનું વોટર આઈડી  મોહાલીમાં રજિસ્ટર્ડ છે. મતદાર યાદીમાં તેમના નામ  આગળ સ્થાયી રીતે ટ્રાન્સફર નોંધાયું છે. રિપોર્ટ મુજબ પંજાબની પ્રી એસઆઈઆર સૂચિની સરખામણીએ લગભગ 20.66 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ રોલથી હટાવાયા છે. આ સંખ્યા રાજ્યના કુલ પહેલાના મતદારોની લગભગ 9.7 ટકા ગણાવવામાં આવી છે. આ નામો હટાવવા પાછળ અલગ અલગ કારણો હોઈ શકે છે. જેમાં મતદારોનું બીજી જગ્યાએ જવું, મૃત્યુ,  ડુપ્લીકેટ રેકોર્ડ કે સંબધિત એડ્રસ પર મતદારનું ઉપલબ્ધ ન હોવું વગેરે સામેલ છે. આવા  કેસોમાં અંતિમ સૂચિ તૈયાર થતા પહેલા દાવા અને આપત્તિઓની પ્રક્રિયા મહત્વપૂર્ણ હોય છે.

શું કહ્યું રાઘવ ચડ્ઢાએ
પંજાબથી રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાએ સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડીને આમ આદમી પાર્ટીની સરકાર અને અધિકારીઓની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. ચડ્ઢાનો આરોપ છે કે પંજાબ સરકારની પોલીસ અને પ્રશાસન આમ આદમી છોડીને ભાજપમાં ગયેલા નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચના દિશા નિર્દેશોનો હવાલો આપતા કહ્યું કે જનપ્રતિનિધિઓ માટે એક સંરક્ષિત સૂચિની જોગવાઈ હોય છે જેથી કરીને દાવા અને આપત્તિઓ દરમિયાન તેમનું નામ ડ્રાફ્ટ સૂચિમાં રહે. ચડ્ઢાના જણાવ્યાં મુજબ તેમના કેસમાં જાણી જોઈને આ નિયમનો ભંગ કરાયો છે. તેમણે કહ્યું કે આ ફક્ત એક  ડ્રાફ્ટ રોલ છે અને તેઓ ચૂંટણી પંચ સમક્ષ પોતાની આપત્તિઓ નોંધાવીને તેને અંતિમ સૂચિમાં ઠીક કરાવશે.

AAP નો પલટવાર
આપે રાઘવ ચડ્ઢાના આરોપો ફગાવતા તેમના પર જ સવાલ કર્યા. આપ પ્રવક્તાએ કહ્યું કે SIRનું કામ ચૂંટણી પંચનું છે રાજ્ય સરકારનું નહી. કોનું નામ કપાશે અને કોનું જોડાશે એ રાજ્ય સરકાર નક્કી નથી કરતી. આપે દાવો કર્યો કે તેમને ચૂંટણી પંચના સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે રાઘવ ચડ્ઢા દિલ્હીના રાજેન્દ્રનગરથી બેકડેટેડ પ્રક્રિયા દ્વારા  પોતાનું નામ ફરીથી મતદાર યાદીમાં નોંધાવવાનો પ્રયત્ન કરે છે. આપે માંગણી કરી છે કે આ ગેરકાયદેસર પ્રક્રિયામાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

આપનું કહેવું છે કે આ જાહેર રેકોર્ડમાં નોંધાયેલું છે કે રાઘવ ચડ્ઢા પંજાબની જગ્યાએ દિલ્હીમાં રહે છે. જો તેમણે પોતાનું સ્થાન બદલ્યું હોય તો પોતાના મતને ટ્રાન્સફર કરાવવાની તેમની જવાબદારી હતી, જેના માટે તેઓ પંજાબ સરકારને દોષ આપી શકે નહીં.

રાજ્યસભા પદ પર જોખમ?
વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજે દાવો કર્યો કે જો રાઘવ ચડ્ઢાનું નામ મતદાર યાદીમાંથી બહાર થાય તો તેમની રાજ્યસભા સદસ્યતા પર સવાલ ઊભો થઈ શકે છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 3 મુજબ રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવાર બનવા માટે ભારતના કોઈ પણ સંસદીય મતવિસ્તારમાંથી મતદાર હોવા જરૂરી છે. ઉમેદવાર જ્યાંથી ચૂંટણી લડતો હોય ત્યાંનો જ મતદાર હોય તે નિયમને 2003ના સંશોધન બાદ કાઢી નખાયો હતો. આમ છતાં સંસદ સભ્ય તરીકે જળવાઈ રહેવા માટે દેશમાં ક્યાંક તો કાયદેસર રીતે મતદાર તરીકે રજિસ્ટર્ડ હોવું ફરજિયાત ગણાય છે.


Related Posts

Load more