બિલમાં ખાસ કરીને કેટલાક સામાજિક મુદ્દાઓને લગતા ગુનાઓનો પણ ઉલ્લેખ છે. જેમ કે યાત્રાળુઓને ગેરકાયદેસર બિલ્ડિંગમાં રાખવા, શેરીઓના નામ બદલવા, અધિકૃત કર્મચારીઓને પરિસરમાં પ્રવેશતા અટકાવવું વગેરે ગુનાઓ માટે હવે જેલની સજાની જગ્યાએ દંડનો પ્રાવધાન રહેશે. એટલું જ નહીં, વેશ્યાવૃત્તિના હેતુસર ફરવા બદલ થતી જેલની સજાને પણ હવે દંડમાં પરિવર્તિત કરવામાં આવશે.
આનાથી સામાન્ય નાગરિકોને કાનૂની જાળમાં સપડાવાનું જોખમ ઓછું થશે તેમજ સરકાર અને નાગરિકો વચ્ચેની વિવાદિત સ્થિતિમાં ઘટાડો થશે. રાજ્ય સરકારનો દાવો છે કે આ સુધારા માત્ર કાનૂની પ્રક્રિયા સરળ બનાવશે જ નહીં, પરંતુ ન્યાયાલય પરનો ભાર પણ ઘટાડી શકશે.
ગૃહમાં રજૂ થયેલા દસ્તાવેજો મુજબ, આ સુધારાઓથી જુના કડક નિયમો હળવા થશે અને વધુ વ્યવહારુ દૃષ્ટિકોણ અપનાવવામાં આવશે. આ સુધારાઓનો અસરક્ષેત્ર ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ, ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ, ગુજરાત એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ એક્ટ સહિતના મહત્વના કાયદાઓ સુધી પહોંચશે.