ડુમસ સી-ફેસ સંપૂર્ણપણે સુરક્ષિત’
એડિશનલ સીપી બલરામ મીનાએ જણાવ્યું હતું કે, ડુમસ દરિયા કિનારે દેખાતી આ ઘટના સંપૂર્ણપણે કુદરતી છે. દરિયામાં “લો ટાઇડ” અને “હાઈ ટાઇડ” જેવી સ્થિતિ સામાન્ય રીતે બનતી હોય છે. લો ટાઇડ દરમિયાન દરિયાનું પાણી પાછળ ચાલ્યું જાય છે જ્યારે હાઈ ટાઇડ સમયે પાણી ફરી આગળ આવી જાય છે. વાયરલ વીડિયોમાં લો ટાઇડ દરમિયાનનું દૃશ્ય બતાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ડુમસ સી-ફેસ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને લોકોને કોઈ પણ પ્રકારની ગભરાટ રાખવાની જરૂર નથી.
લોકોમાં ભય ફેલાવનારાઓ સામે કડક વલણ
પોલીસે આ મામલે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારાઓ સામે કડક વલણ અપનાવ્યું છે. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુપ્ત રીતે તપાસ શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં આવી 11 જેટલી લિંક દૂર કરવા સંબંધિત એજન્સીઓને સૂચના આપવામાં આવી છે. કેટલીક રીલ બનાવવામાં આવી હતી જ્યારે કેટલીક માત્ર ફોરવર્ડ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસનું કહેવું છે કે, આવી ભ્રામક માહિતી લોકોમાં ભય અને હ્યુમર ફેલાવવા માટે ઇરાદાપૂર્વક પ્રમોટ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ અફવા પર ભરોસો ન કરવા અપીલ
આ સમગ્ર મામલે મૂળ રાજસ્થાનના શુભમ નામના ઇસમ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. સોશિયલ મીડિયા ચેનલો સામે ફરિયાદ નોંધાવવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસે ચેતવણી આપી છે કે, કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર બિનચકાસેલી અથવા ભય ફેલાવતી માહિતી શેર કરશે તો તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને કોઈપણ માહિતીની સત્યતા ચકાસ્યા વગર તેને ફોરવર્ડ પણ ન કરે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ડુમસ દરિયા કિનારે હાલ કોઈપણ પ્રકારનો ખતરો નથી અને સમગ્ર પરિસ્થિતિ સામાન્ય છે.