આજે પીએમ મોદીના હસ્તે પ્રથમવાર 191 ફૂટ ઉંચા મુખ્ય શિખર પર ધ્વજારોહણ થશે. આ ધજા અમદાવાદમાં બનાવવામાં આવી છે. 11 ફૂટ પહોળી અને 22 ફૂટ લાંબી ધજા બનાવવાનું કામ શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ધજા તૈયાર કરવા માટે રામ મંદિર ટ્રસ્ટ તરફથી જ કેવા પ્રકારની ધજા બનાવવાની છે તેની ડિઝાઇન આપવામાં આવી હતી. ત્યાર બાદ 10 કારીગરોએ 25 દિવસમાં તૈયાર કરી દીધી છે.
આ ઐતિહાસિક ક્ષણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSSના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત આમંત્રિત મહેમાનો હાજર રહેશે.
ધજા માટે થ્રી-લેયર મટીરીયલનો ઉપયોગ કર્યો ધજાની બંને બાજુ રામ ભગવાનના પ્રતીક એવા કલ્પવૃક્ષ, સૂર્યનારાયણ ભગવાન અને ઓમ બનાવવામાં આવ્યા છે. આ તમામ પ્રતીકો રામ મંદિર તરફથી આપવામાં આવેલી ડિઝાઇનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. ધજા માટે થ્રી-લેયર મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે ગર્વની એ પણ વાત છે કે ધજા બનાવનાર પરિવારને રામ મંદિરમાં યજમાન તરીકે પ્રતિષ્ઠામાં બેસાડવામાં આવ્યા છે.
5100 કિલોનો ધ્વજ દંડ પણ તૈયાર કર્યો શ્રી અંબિકા એન્જિનિયરિંગને માત્ર ધજા જ નહીં. પરંતુ અગાઉ રામ મંદિર માટે અનેક વસ્તુઓ બનાવવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. રામ મંદિર માટે ધ્વજ દંડ પણ અમદાવાદમાં જ તૈયાર કરવામાં આવ્યો છે. જેની સાઈઝ 42 ફૂટ અને 5100 કિલો વજન છે. તે પણ અમદાવાદમાં તૈયાર કરીને અયોધ્યા મોકલવામાં આવ્યો છે. તેની સાથે સાથે રામ મંદિરમાં દાનપેટી, હૂંડી ભંડાર, ભગવાનના આભૂષણ મૂકવા માટે પિત્તળના કબાટ આ તમામ વસ્તુ તૈયાર કરી છે.