કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવા પર અમદાવાદ શહેર ભાજપ દ્વારા એક ખાસ મીડિયા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને છેલ્લા 12 વર્ષમાં દેશમાં આવેલી કાયાપલટ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા એક દાયકામાં વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સર કરી છે. અમદાવાદ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પીએમ મોદીનું નેતૃત્વ એ દેશ માટે વિશ્વાસનું પ્રતીક છે. ગુજરાતના સીએમ તરીકેના 13 વર્ષ અને ત્યારબાદ કેન્દ્રમાં 12 વર્ષના શાસને ભારતની બદલાતી તસ્વીર રજૂ કરી છે.
આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પૂર્વ સાંસદ હસમુખ પટેલ, પશ્ચિમ સાંસદ દિનેશ મકવાણા, મેયર હિતેશ બારોટ અને મંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ઋષિકેશ પટેલે ભારપૂર્વક કહ્યું કે, મોદી સાહેબના નેતૃત્વમાં દરેક વર્ગના લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચી છે, જેની અસર આજે પાયાના સ્તરે જોવા મળી રહી છે.
સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા નેતાઓએ જનધન ખાતાના આંકડા રજૂ કર્યા હતા. 58 કરોડથી વધુ જનધન ખાતા ખોલીને ગરીબમાં ગરીબ માણસને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યો છે, જેમાં 32 કરોડ ખાતા માત્ર મહિલાઓના છે. આ ઉપરાંત, ગુજરાતમાં શરૂ થયેલી ‘મા કાર્ડ’ યોજના હવે સમગ્ર દેશમાં ‘આયુષ્યમાન ભારત’ યોજના તરીકે લાખો લોકો માટે આશીર્વાદરૂપ બની છે.
મોદી સરકારના 12 વર્ષોમાં માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પરંતુ સામાજિક સુરક્ષાના ક્ષેત્રમાં પણ ક્રાંતિકારી ફેરફારો આવ્યા છે. ગરીબોના સારવાર ખર્ચનો બોજ સરકારે ઉપાડીને મધ્યમ અને ગરીબ વર્ગને આર્થિક રાહત આપી છે. આવનારા સમયમાં આ વિકાસની ગતિ વધુ તેજ બને તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.