PM મોદી બેઠા છે ત્યાં સુધી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી’: અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે કેમ આપ્યું આવું નિવેદન?

By: Nation Gujarat Team
29 Mar, 2026

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સત્તાધાર ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતા અને કાર્યકર્તાઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમ બાદ આયોજિત આ સંમેલનમાં મુખ્યમંત્રીએ વર્તમાન વૈશ્વિક સ્થિતિ અને દેશની મજબૂત ઈકોનોમી પર ભાર મૂક્યો હતો.

પેટ્રોલ-ડીઝલની અછત અંગેની અફવાઓ પર સ્પષ્ટતા
પેટ્રોલ અને ડીઝલ મુદ્દે સર્જાયેલી અફવાઓ પર પ્રહાર કરતા CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “હમણાં બે દિવસ પહેલા એવો માહોલ સર્જાયો હતો કે લોકોએ બે દિવસ સુધી લાઈનો લગાવી હતી, પણ બાદમાં સૌને સમજાયું કે પેટ્રોલની કોઈ અછત નથી. આ બધું જ PM મોદીના કારણે શક્ય બન્યું છે. જનતાને ખબર છે કે જ્યાં સુધી મોદી બેઠા છે ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

વૈશ્વિક કટોકટી વચ્ચે ભારત સુરક્ષિત: ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “આજે દુનિયાના મોટા દેશો પણ આર્થિક અને સામાજિક સ્થિતિ સામે લડતા લડતા થાકી ગયા છે, પરંતુ ભારતમાં સ્થિતિ અલગ છે. આજે અહીં બેઠેલા લોકોના ચહેરા પર તણાવ જરાય દેખાતો નથી, કારણ કે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર અતૂટ ભરોસો છે.” તેમણે ઉમેર્યું કે PM મોદીએ દેશને સતત આગળ લઈ જવાનું કામ કર્યું છે અને કોઈપણ રાજ્યને તકલીફ ન પડે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે.

કાર્યકર્તાઓ સાથે ‘ટિફિન બેઠક’ અને સ્નેહમિલન
ઔપચારિક સંબોધન બાદ મુખ્યમંત્રી એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. લોકશાહીમાં કાર્યકર્તાઓનું મહત્વ સમજાવતા ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં ભાજપના કાર્યકરો સાથે બેસીને ટિફિન ભોજન લીધું હતું. આજે ભૂપેન્દ્ર પટેલે કોઈ પણ પ્રકારના પ્રોટોકોલ વગર કાર્યકરોની વચ્ચે જમીન પર બેસીને ભોજન જમ્યા હતા. ‘મન કી બાત’ કાર્યક્રમ બાદ આ રીતે સાથે ભોજન લેવાનો હેતુ કાર્યકર્તાઓમાં એકતા અને ઉત્સાહ વધારવાનો હતો. ભોજન દરમિયાન તેમણે સ્થાનિક પ્રશ્નો અને સંગઠનની કામગીરી અંગે કાર્યકર્તાઓ સાથે સહજ ચર્ચાઓ પણ કરી હતી.

મહત્વનું છે કે, મુખ્યમંત્રીના આ અંદાજે કાર્યકરોમાં નવો જોમ ભર્યો છે. એક તરફ સરકારના મજબૂત નેતૃત્વના વખાણ અને બીજી તરફ સામાન્ય કાર્યકર સાથે ભોજન લેવાની આ પદ્ધતિ હાલ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે.


Related Posts

Load more