ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર આગામી 13 નવેમ્બર 2024ના રોજ પેટા ચૂંટણી યોજાવવાની છે. પેટાચૂંટણીમાં આપે ઉમેદવારી ન નોંધાવીને પાછી પાની કરી લીધી છે, અને કોંગ્રેસને બહારથી સમર્થન પુરૂ પાડ્યું છે. ત્યારે ભાજપના નારાજ નેતા માવજી પટેલે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવીને કોંગ્રેસ-ભાજપનું ટેન્શન વધારી દીધી છે. હાલમાં પુરજોશમાં પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. માવજી પટેલે વાવના આકોલીમાં વિશાળ જનસભાને સંબોધી હતી. મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. જેને જોતાં લાગી રહ્યું છે કે આ ચૂંટણી રસપ્રદ બની રહેશે.
માવજીભાઇએ ભાજપ-કોંગ્રેસના જીવ અદ્ધર કરી દીધા
હાલમાં વાવ બેઠક માટે 8 ઉમેદવારો મેદાને છે, જેમાં માવજી પટેલનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં માવજી પટેલે વાવના આકોલીમાં વિશાળ જનસભાને સંબોધી હતી. મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. ભીડને જોઇને કોંગ્રેસ-ભાજપ બંને પક્ષો મોંઢામાં આંગળા નાખતા રહી ગયા હતા. માવજી પટેલ ચૌધરીનું મોટું માથું ગણાય છે, તેમનું ચૂંટણી ચિહ્ન બેટ છે, બેટના ચૂંટણી ચિહ્ન સાથે ‘બેટીંગ’ કરવા માટે મેદાને ઉતરેલા માવજી પટેલે ધમાકેદાર બેટીંગ કરતાં ભાજપ-કોંગ્રેસના જીવ અદ્ધર કરી દીધા છે. ચૂંટણી પ્રચાર અભિયાન જેમ જેમ આગળ વધતો જશે, તેમ-તેમ માવજીભાઈ પટેલની ઉમેદવારીની અસર સ્પષ્ટ થતી જશે. માવજી પટેલની એન્ટ્રીથી બનાસકાંઠા સહિત ગુજરાતના રાજકારણમાં ફૂલગુલાબી ઠંડી વચ્ચે ગરમાવો લાવી દીધો છે. રાજકીય વિશ્લેષકો મતે પેટાચૂંટણી રસપ્રદ બની રહેશે, રસાકસીભરી જંગ જામશે. વાવની પ્રજા કોના પર પ્રેમ વરસાવે છે. એ તો આગામી સમય જ બતાવશે.
ભાજપ-કોંગ્રેસ પર તીખા પ્રહાર
વાવ તાલુકાના આકોલી ગામે યોજાયેલી સનસભામાં માવજીભાઇ પટેલના સમર્થમનમાં આસપાસના 32 ગામમાંથી તમામ જ્ઞાતિના લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન માવજીભાઇ પટેલે ભાજપ-કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે આ સત્ય-અસત્યની લડાઇ છે. આ પાટીલનો પાવર ઉતારવાનું યુદ્ધ છે. એમના મનમાં વાવની પ્રજાને મુર્ખ સમજે છે. રત્નાકર એટલે જાણે ભગવાન હોય. અમે કહ્યું હતું ટિકિટ કોઇપણ સમાજના વ્યક્તિને આપો અમને વાંધો નથી. પરંતુ અમને એવો ચોકિયાત આપો જે અમારા ત્રણે તાલુકાને સાચવે. ભાજપને એક સીટ આવે કે ન આવે ફરક પડતો નથી, કારણ કે ઉપર વજન વધી ગયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ જનસભામાં સર્વે સમાજના લોકો માવજીભાઇ પટેલને આર્શિવાદ આપતા જોવા મળ્યા હતા. ફરીથી વાવની ધરા પર એક સ્થાનિક અને અડગ નેતૃત્વ મળી શકે તેવું વાતાવરણ સર્જાયું હતું.
માવજી પટેલની નારાજગી અને બળવો
વાવ ભાજપના દિગ્ગજ નેતા ગણાતા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી ચૂંટણીના મેદાનમાં ધમાકેદાર બેટીંગ કરવા ઉતર્યા છે. ત્યારે પ્રજાના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું માવજી પટેલે પક્ષના કહેવા પર ભાજપમાંથી ફોર્મ ભર્યું છે કે પછી નારાજગીના કારણે બળવો કરીને અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે? આ મુદ્દે માવજીભાઇ પટેલે સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે તેઓએ પક્ષના કહેવાથી નહી , પરંતુ પાર્ટીએ તેમને ટિકિટ ન આપી હોવાથી ઉમેદવારી નોંધાવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેમણે પક્ષ વિરોધી કોઇ પ્રવૃતિ કરી નથી. તેમને વાવની પ્રજા પર પુરો વિશ્વાસ છે કે વાવની પ્રજા તેમને જીતાડશે. અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવ્યા બાદ પક્ષના આગેવાનોના ફોન આવ્યા હતા. તેમને પૂછવામાં પણ આવ્યું હતું કે કોઇ નારાજગી હોય તો જણાવી શકો છો, તો તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓએ ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.
પ્રતિષ્ઠા અને અસ્તિત્વનો જંગ
વાવ બેઠક ખૂબ જ મહત્વની ગણવામાં આવી છે. કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે એકમાત્ર આ સીટ પર જીત મેળવી હતી. જેથી આ સીટ પર વિજય મેળવો તે કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે, જ્યારે ભાજપ આ સીટ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. કારણ કે તેણે ગુજરાતમાં વાવ સીટને બાદ કરતાં તમામ સીટો પર વિજય પરચમ લહેરાવ્યો હતો. જેથી ભાજપ માટે વાવ બેઠક અસ્તિત્વના જંગ સમાન છે.
વાવ બેઠક પર કોનું પ્રભુત્વ?
જ્યારે હવે આ બેઠક માટે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિત 8 ઉમેદવારો મેદાને છે. ત્યારે જાતિગત સમીકરણ સમજવું જરૂરી બની જાય છે. વાવ વિધાનસભા બેઠક પર રાજકીય પક્ષ કરતાં જ્ઞાતિનાં સમીકરણો વધુ કામ કરે છે. જાતિગત સમીકરણો ઉથલપાથલ મચાવી ચૂંટણીના ચિત્રને બદલી શકે છે. આ બેઠક પર રાજપૂત સમાજ અને ઠાકોર અને ચૌધરી સમાજનું કેવું વર્ચસ્વ છે. આ ઉપરાંત કયા સમાજનો કેટલો દબદબો છે તે સમજવું જરૂરી છે. જો વાવ બેઠકની વાત કરવામાં આવે તો અહીં ઠાકોર સમાજનું પ્રભુત્વ અને જાતિવાદી ગણિત કામ કરી જાય છે. આ પેટાચૂંટણીમાં પણ આ જાતિવાદી ગણિતનું રાજકારણ થાય તેવી સંભાવના છે.
વાવ બેઠકના જાતિગત સમીકરણ
વાવ વિધાનસભા બેઠકના જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 3,10,681 મતદારો છે. જેમાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, ત્યારબાદ રાજપૂત અને ચૌધરી સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. એટલું જ નહી આ બેઠક પર દલિત, રબારી અને બ્રાહ્મણ સમાજના મતદારો બાજી પલટી શકે છે. આવો વિગતવાર જાણીએ કઇ જાતિના કેટલા મતદારો છે.
કુલ મતદારો- 3,10,681
ઠાકોર- 44000
રાજપૂત- 41000
ચૌધરી- 40000
દલિત- 30000
રબારી- 19000
બ્રાહ્મણ- 15000
મુસ્લિમ- 14500
કોણ છે માવજી પટેલ?
માવજી પટેલ થરાદ વાવ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ પૂર્વે 20 મુદ્દા અમલીકરણ હાઈ પાવર કમિટીમાં રહી ચૂક્યા છે. સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ટ્રેક્ટર ટ્રોલીને બળદગાડા સમાન ગણીને ટેક્સ મુક્ત કરાવવામાં એક અગ્રીમ ભૂમિકામાં નિભાવી હતી. પૂર્વે મુખ્યમંત્રી સ્વ-ચિમનભાઈ પટેલ સરકારમાં ચિમનભાઈ પટેલના ખાસ વિશ્વાસુ વ્યક્તિ રહ્યા. થરાદ-વાવ ખાસ બનાસકાંઠા વિસ્તારમાં બક્ષીપંચ સમાજમાં પછાત સમાજોને સમાવેશ થાય એના માટે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી જેતે સમયે માવજી પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેઓ લગભગ મોટા ભાગે વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષ ટિકિટ ન આપે તો અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી બતાવે છે. જેઓ વર્તમાનમાં ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે
ગુલાબસિંહ રાજપૂતની રાજકીય સફર
કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી છે. 2019 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે. ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
ઠાકોર સમાજના અગ્રણી છે સ્વરૂપજી
સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વરૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 48,634 મત મળ્યા હતા.
વાવ બેઠક માટે 13 થી 20 નવેમ્બર સુધી અનુમાનો પર પ્રતિબંધ મૂકાયો
ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ નિયમનો ભંગ કરનાર સામે આકરી સજાની જોગવાઇ કરવામાં આવી છે.
એક્ઝિટ પોલ-ઓપિનિયન પોલ પર પ્રતિબંધ
જેના અનુસંધાને રાજ્યમાં 13મી નવેમ્બરથી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ વાવ વિધાનસભા મતક્ષેત્રમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે. આ જોગવાઈઓનો ભંગ કરનારને બે વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.
3.10 લાખ મતદારો નક્કી કરશે ઉમેદવારનું ભાગ્ય
વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ 3.10 લાખ મતદારો છે, જેમાં 1.61 લાખ પુરુષ જ્યારે 1.49 લાખ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 321 પોલિંગ સ્ટેશન છે. ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર 7 સખી મતદાન મથકો, એક આદર્શ મથક તથા એક PWD અને એક ઈકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભું કરાશે. દરેક મતદાન મથક પર મેડિકલ સ્ટાફ રહેશે. મતદાન મથકો ખાતે 1400થી વધુ અધિકારી કર્મચારીઓ ફરજ બજાવશે. રાજકીય પક્ષોમાં પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાશે. પોલીસ બંદોબસ્તથી લઈને તમામ પારદર્શિત કામગીરી કરવામાં આવશે. ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, વિવિધ કામગીરી માટે નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે અને નિષ્પક્ષ અને ન્યાય વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર સક્રિય છે.
વાવ બેઠક પર 13 નવેમ્બરે યોજાશે ચૂંટણી
ત્યારે હવે ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે.