દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મંગળવારે 90 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ઇંધણના ભાવમાં આ બીજો વધારો છે. આ પહેલા ગત 15 મે, શુક્રવારે જ કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો.
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં શા માટે વધારો થયો?
આ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં થતી વધઘટ છે. ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઇલના ભાવ 70 ડોલર હતા જે હવે વધીને 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે.ક્રૂડના ભાવ વધવાને કારણે તેલ કંપનીઓ દબાણમાં હતી. તેથી કંપનીઓએ નુકસાન ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. જો ક્રૂડ ઓઈલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.સરકાર અત્યાર સુધી દલીલ કરતી હતી કે પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. આના કારણે પાકિસ્તાન, નેપાળ અને શ્રીલંકા જેવા પડોશી દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 15% થી 20% સુધીનો વધારો થયો, પરંતુ ભારતીય ગ્રાહકો પર તેનો બોજ નાખવામાં આવ્યો ન હતો.
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો માર્ચ 2024થી સ્થિર રહી હતી. લોકસભા ચૂંટણી 2024 પહેલાં સરકારે કિંમતોમાં ₹2 પ્રતિ લિટરનો ઘટાડો કરીને જનતાને રાહત આપી હતી. જોકે, તકનીકી રીતે ભારતમાં ઇંધણની કિંમતો નિયંત્રિત છે અને કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્રૂડની 15 દિવસની સરેરાશ કિંમતના આધારે દરરોજ ભાવ બદલી શકે છે, પરંતુ રાજકીય સંવેદનશીલતાને કારણે તેમને લાંબા સમય સુધી બદલવામાં આવ્યા ન હતા.સરકારના મતે, ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતોને કારણે ખોટમાં ચાલી રહી હતી.પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માના જણાવ્યા અનુસાર, કંપનીઓને પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના વેચાણ પર દર મહિને આશરે ₹30,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.
આ પહેલા સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટીમાં 10-10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. પેટ્રોલ પર ડ્યુટી ₹13 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને ₹3 રૂપિયા, જ્યારે ડીઝલ પર ₹10 થી શૂન્ય કરી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા એક લિટર પેટ્રોલ પર કુલ 21.90 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવતી હતી.સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ઘટ્યા પછી તે 11.90 રૂપિયા રહી ગઈ હતી. આ જ રીતે, એક લિટર ડીઝલ પર કુલ સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી 17.8 રૂપિયાથી ઘટીને 7.8 રૂપિયા પર આવી ગઈ હતી.