અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 5ના મોત: રાજુલા-જાફરાબાદમાં અકસ્માત સહિતની ઘટનાઓથી શોકનો માહોલ

By: nationgujarat
03 Dec, 2025

Amreli News : અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અલગ-અલગ દુર્ઘટનાઓમાં પાંચ વ્યક્તિઓના મોત થતાં સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાયો છે. રાજુલા, જાફરાબાદ, લાઠી સહિતના તાલુકામાં ઇલેક્ટ્રીક કરંટ લાગવાથી, લોખંડનો પાઈપ માથે પડવાથી, ઝેરી જીવજંતુ કરડવા સહિતની અલગ-અલગ ઘટનામાં પાંચ વ્યક્તિના મોત નીપજ્યા છે. તમામ બનાવને લઈને પોલીસે આગળની કાર્યવાહી  હાથ ધરી છે.

ઇલેક્ટ્રીક કરંટ લાગવાથી અમરેલીમાં એકનું મોત

મળતી માહિતી મુજબ, અમરેલી તાલુકાના રાદડિયા ખીજડીયા ગામે રહેતા ભગડાભાઇ કાનાભાઈ બાંભણિયા (ઉં.વ.36) વાડીમાં કામ કરી રહ્યા હતા, ત્યારે ઝટકા મશીનના વાયરને અડી જવાથી ઇલેક્ટ્રીક કરંટ લાગ્યો હતો. ઘટનાને પગલે તાત્કાલિક પરિવાર દ્વારા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

રાજુલાના જોલાપર ગામે લોખંડનો પાઈપ માથે પડવાથી મોત

રાજુલાના જોલાપર ગામે રહેતા બાબુભાઇ ભગાભાઇ વાઘ (ઉં.વ. 42) જે.પી. દાસ કંપનીની ગાડીમાંથી લોખંડનો પાઇપ ઉતારી રહ્યા હતા. આ દરમિયાન લોખંડના પાઇપ તેમના પર પડતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેવામાં તેમનું મોત થયું હતું.

​રાજુલા માંડળ ગામે 50 વર્ષીય આધેડનો મૃતદેહ મળ્યો

જ્યારે રાજુલા તાલુકાની અન્ય એક ઘટનામાં, માંડળ ગામે રહેતા મોહનભાઈ વશરામભાઇ વાળા (ઉં.વ. 50)નો મૃતદેહ ભાગવી રાખેલી વાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાને લઈને મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે. જ્યારે ક્યા કારણોસર મોત નીપજ્યું એ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે. આ દરમિયાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાફરાબાદના મીઠાપુરમાં આપઘાતની ઘટનામાં એકનું મોત

જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામે રહેતા કિશોરભાઈ મનુભાઇ જોગદીયા (ઉં.વ. 40)એ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આપઘાતની ઘટનામાં તાત્કાલિક કિશોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.


Related Posts

Load more