Patan: જિલ્લામાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ

By: Nation Gujarat Team
23 Jul, 2026

ઉત્તર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત બાદ લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે ગરમી અને બફારાનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. વરસાદ ખેંચાવાના કારણે ખાસ કરીને ખેડૂત વર્ગમાં પોતાના ખરીફ (ચોમાસું) પાકને લઈને મોટી ચિંતા ઊભી થઈ હતી. પરંતુ આજે વહેલી સવારથી જ પાટણ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને કાળાડિબાંગ વાદળોની જમાવટ સાથે મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ્સની શરૂઆત કરી છે.

પાટણ શહેર અને ખાસ કરીને આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે કુણઘેર, કુરેજા અને ખાનપુરમાં સવારથી જ અનરાધાર ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. સારો એવો વરસાદ વરસવાના કારણે ગામડાઓના કાચા અને પાકા મુખ્ય માર્ગો પર વરસાદી પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા હતા.

ઉત્તર ગુજરાતનો આ પંથક મુખ્યત્વે ખેતી પર આધારિત છે. ખેડૂતોએ મોટા પ્રમાણમાં કપાસ, મગફળી, જુવાર અને બાજરી જેવા ચોમાસું પાકોનું વાવેતર કર્યું છે. વરસાદની ખેંચના કારણે આ પાકો સુકાવા લાગ્યા હતા, પરંતુ કાચા સોના સમાન આ વરસાદ વરસતાં સુકાઈ રહેલા ચોમાસું પાકને નવું જીવનદાન મળી ગયું છે. ખેતરોમાં પાણી પહોંચતા જ ધરતીપુત્રોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદના કારણે પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ ધરખમ ફેરફાર નોંધાયો છે અને ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને અસહ્ય ઉકળાટથી મોટી રાહત મળી છે અને વાતાવરણ અત્યંત આહલાદક અને ઠંડું બની ગયું છે.


Related Posts

Load more