ગુજરાતમાં 7 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ફરી એકવાર મેઘરાજા ઘમરોળશે

By: Nation Gujarat Team
30 Jul, 2026
Gujarat Rain Alert: હવામાન વિભાગ (IMD) દ્વારા આજે (30 જુલાઈ) સવારના 10 વાગ્યા સુધીની નાઉકાસ્ટ જાહેર કરાયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ, યલો અને ગ્રીન ઝોનમાં જિલ્લાઓને વિભાજિત કરવામાં આવ્યા છે. બીજી તરફ, સંભવિત અતિભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રને હાઈઍલર્ટ કરી દેવામાં આવ્યું છે.

હવામાન વિભાગનું નાઉકાસ્ટ

ઉત્તર ગુજરાતના સીમાવર્તી વિસ્તારો અને પૂર્વ-દક્ષિણ પટ્ટીના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર ઓરેન્જ ઍલર્ટ છે.

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના સાથે યલો ઍલર્ટ જારી કરાયું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી,ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા અને નગર હવેલી યલો ઍલર્ટ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હાલ પૂરતી ભારે વરસાદની ચેતવણી નથી અને આ વિસ્તારો ગ્રીન ઝોનમાં દર્શાવવામાં આવ્યા છે.

SEOC દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો અને મામલતદારોને તાકીદના આદેશ

આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતાને પગલે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે તમામ જિલ્લાના મામલતદાર (ડીઝાસ્ટર) અને કલેક્ટરશ્રીઓને સુરક્ષાત્મક પગલાં લેવા આદેશ આપ્યા છે.

•જોખમી માળખાં અને વૃક્ષો દૂર કરવા: રસ્તા પરના નમેલા વૃક્ષો, જોખમી હોર્ડિંગ્સ, નબળા થાંભલા તથા કામચલાઉ માળખાઓને તાત્કાલિક હટાવવા.
•જર્જરિત મકાનોમાંથી સ્થળાંતર: ભયજનક બિલ્ડિંગોમાંથી લોકોને અગાઉથી શેલ્ટર હોમમાં શિફ્ટ કરી તેમના માટે રહેવા અને ફુડ પેકેટની વ્યવસ્થા કરવી.
•જર્જરિત પુલ અને કોઝવે: પાણી ફરી વળે તેવા કોઝવે કે જર્જરિત પુલ પરથી વાહનો અને ભારે વાહનોની અવરજવર તુરંત બંધ કરાવવી.
•24×7 કંટ્રોલ રૂમ: જિલ્લાના તમામ લાઈન ડિપાર્ટમેન્ટના કંટ્રોલ રૂમ 24 કલાક અવિરતપણે કાર્યરત રાખવા.
•રાહત-બચાવ ટુકડીઓ સજ્જ: આપદા મિત્ર, GRD, હોમગાર્ડ, SRD, NCC/NSS કેડેટ્સ, રેસ્ક્યૂ બોટ્સ તેમજ NDRF/SDRFની ટીમોને સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવી છે.


Related Posts

Load more