તેલના ભાવમાં ભડકો, સીંગતેલ 3000ને પાર; કપાસિયામાં પણ ભાવવધારો ઝીંકાયો

By: Nation Gujarat Team
31 Mar, 2026

Edible oil Price Hike: ગુજરાતીઓના રસોડામાં અત્યારે મોંઘવારીનો ‘વઘાર’ લાગી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલના ભાવમાં સતત થઈ રહેલા વધારાએ સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગ માટે તેલ ખરીદવું હવે આકરા ઉનાળા જેવું આકરૂં બની રહ્યું છે. તાજેતરમાં જ સીંગતેલના ડબ્બામાં 10 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ આંકડો નાનો લાગે, પરંતુ જો છેલ્લા એક મહિનાની વાત કરીએ તો, ખાદ્યતેલના ડબ્બા દીઠ અંદાજે 225 રૂપિયા જેવો તોતિંગ વધારો જોવા મળ્યો છે.

કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2520 રૂપિયાથી વધીને હવે 2540 રૂપિયા પર પહોંચ્યો છે. જ્યારે સીંગતેલ તેલના ડબ્બાનો ભાવ 3005 રૂપિયાના આંકડાને પાર કરીને 3015 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

વધારા પાછળનું કારણ
વેપારીઓના મતે, આ ભાવવધારા પાછળ મુખ્ય કારણ કાચા માલની અછત છે. કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડો બંધ હોવાથી આવક ઘટી છે. જો આગામી દિવસોમાં આવક નિયમિત નહીં થાય, તો ભાવ હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. તહેવારો પહેલા તેલના ડબ્બાના ભાવ આસમાને પહોંચતા સામાન્ય માણસની ચિંતામાં વધારો થયો છે.

તો બીજી તરફ, ઈરાન યુદ્ધની અસર વચ્ચે ગેસ, પેટ્રોલ, ડીઝલ બાદ હવે ખાદ્ય તેલની માંગ અચાનક વધી છે. મોટાભાગના શહેરોના અનાજ માર્કેટમાં તેલના ડબ્બા ખરીદવા લોકો ઉમટી પડ્યા છે. શહેરના મોલ્સમાં તેલના ડબ્બાનું વેચાણ અચાનક વધી ગયું છે. ત્યારે આગામી સમયમાં તેલના ભાવમાં હજી વધારો ઝીંકાય તો નવાઈ નહીં.  ઉપરથી લોકોમાં ફરસાણ અને અન્ય તળેલી વસ્તુઓનો વપરાશ વધી રહ્યો છે. ત્યારે તેલના ભાવમં હજી ભડકો થાય તેવી સો ટકા શક્યતા છે.

આ મોંઘવારી અને મધ્યવર્ગની સમસ્યાનો કોઈ અંત જ ન હોય એવું લાગી રહ્યું છે. બાંધી આવક સામે કૂદકે ને ભૂસકે વધતા વસ્તુઓના ભાવ મુશ્કેલી વધારી રહ્યા છે. ત્યારે મધ્યમ વર્ગને આશા છે કે, આ કમરતોડ મોંઘવારીથી થોડી રાહત મળે તો તેમની ચિંતા ઓછી થાય.


Related Posts

Load more