Ahmedabad Navratri metro timing extended: અમદાવાદ શહેરમાં નવરાત્રીના ઉત્સવને ધ્યાનમાં રાખીને મોડી રાત સુધી ગરબા રમતા ખેલૈયાઓ અને નાગરિકો માટે વાહનવ્યવહારની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. તહેવારો દરમિયાન લોકો મોડી રાત્રે પણ સરળતાથી ઘરે પહોંચી શકે તે માટે મેટ્રો રેલ સેવા રાત્રે બે વાગ્યા સુધી અને જીએમડીસી (GMDC) ગ્રાઉન્ડથી બીઆરટીએસ (BRTS) બસ સેવા રાત્રે 12:30 વાગ્યા સુધી દોડાવવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મેટ્રોમાં રાત્રે 2 વાગ્યા સુધી સવારી, પણ ચૂકવવી પડશે રૂ. 50ની સ્પેશિયલ પેપર ટિકિટ
અમદાવાદમાં સામાન્ય રીતે મેટ્રો રેલ રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત હોય છે, પરંતુ હાલમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવારને પગલે આગામી 19 ઓક્ટોબર સુધી ખાસ સમયપત્રક ગોઠવવામાં આવ્યું છે. આ અંતર્ગત શહેરના ચાર મુખ્ય મેટ્રો સ્ટેશનો — વસ્ત્રાલ, થલતેજ, કોટેશ્વર અને એપીએમસી (APMC)થી રાત્રે 2:00 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, એપીએમસીથી ગાંધીનગર સેક્ટર-1 સુધીના રૂટ પર રાત્રે 12:45 (પોણા બે) વાગ્યા સુધી મેટ્રો રેલ ચાલુ રાખવામાં આવશે.
જોકે, મોડી રાતના વધારાના સમયગાળા દરમિયાન મુસાફરી કરનારા લોકોએ સામાન્ય ટિકિટ કે રેગ્યુલર પાસના બદલે રૂપિયા 50ની સ્પેશિયલ પેપર ટિકિટ ખરીદવી પડશે. એટલે કે વધારાના કલાકોમાં આ મોંઘી પેપર ટિકિટ જ માન્ય ગણાશે અને મુસાફરોએ વધુ ભાડું ચૂકવવું પડશે.
બીજી તરફ, શહેરના પ્રખ્યાત ગરબા સ્થળ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી મુસાફરોની સુવિધા માટે જનમાર્ગના યુનિવર્સિટી સ્ટેશનથી BRTS બસ સેવા રાત્રે 12:30 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. અહીંથી ઝુંડાલ, મણિનગર અને ઓઢવ તળાવ સુધીના ત્રણ મુખ્ય રૂટ પર વધારાની 10 BRTS બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે.
તહેવારોના આ સમયમાં એક તરફ મેટ્રો અને બીઆરટીએસ દ્વારા મુસાફરો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, તો બીજી તરફ એએમટીએસ (AMTS)ના ખાડે ગયેલા તંત્ર દ્વારા શહેરીજનોની સુવિધા માટે રાબેતા મુજબ કોઈ પણ નવી કે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી.