Ahmedabad Real Estate Price Hike: અમદાવાદમાં પોતાનું ઘર ખરીદવાનું સપનું જોતા નાગરિકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં શહેરમાં પ્રોપર્ટી ખરીદવી વધુ મોંઘી બનશે. ક્રેડાઈ અમદાવાદની એક મહત્વપૂર્ણ બેઠકમાં વધતા આર્થિક બોજને કારણે મકાનોના ભાવમાં મોટો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
રિયલ એસ્ટેટ માર્કેટમાં વધી રહેલી આર્થિક ભીંસના કારણે બિલ્ડરો દ્વારા આગામી 1 જુલાઈથી મકાનોની કિંમતોમાં 10% સુધીનો ધરખમ વધારો અમલી બનાવવામાં આવશે. જો કે, ગ્રાહકોને રાહત આપતા જણાવાયું છે કે, 30 જૂન સુધી કોઈ ભાવ વધારો કરવામાં આવશે નહીં, જેથી ખરીદદારો પાસે જૂના ભાવે બુકિંગ કરાવવાની છેલ્લી તક છે.
ભાવ વધારા પાછળના મુખ્ય કારણો
ક્રેડાઈ અમદાવાદની આ બેઠકમાં આશરે 400 જેટલા બિલ્ડર સભ્યો હાજર રહ્યા હતા, જેમાં રિયલ એસ્ટેટ માર્કેટને અસર કરતા ગંભીર પરિબળો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વૈશ્વિક પરિસ્થિતિઓ અને ખાસ કરીને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિના કારણે બાંધકામ ક્ષેત્ર પર સીધી નકારાત્મક અસર પડી છે. આ આંતરરાષ્ટ્રીય તણાવને લીધે આયાતી સામગ્રી સહિતના રો-મટીરિયલના ભાવમાં 20% થી લઈને 60% જેટલો તોતિંગ વધારો નોંધાયો છે.
આ ઉપરાંત આગામી દિવસોમાં સ્ટીલ અને સિમેન્ટ જેવા મુખ્ય બાંધકામ મટીરિયલના ભાવમાં હજુ પણ 30% થી 40% સુધીનો વધારો થવાની પ્રબળ શક્યતા છે, જેને કારણે બાંધકામ ખર્ચ ખૂબ વધી ગયો છે. કાચા માલની અછત અને મજૂરોની સમસ્યાએ બિલ્ડરોની મુશ્કેલીમાં ઓર વધારો કર્યો છે. બિલ્ડર એસોસિએશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ ભાવ વધારો કોઈ નફાખોરી માટે નહીં. પરંતુ મજબૂરીમાં લેવાયેલો નિર્ણય છે. જો આ વૈશ્વિક યુદ્ધ લાંબુ ચાલશે, તો આગામી 6 થી 12 મહિનામાં બાંધકામ ઉદ્યોગ પર આનાથી પણ વધુ ગંભીર અસરો થઈ શકે છે.
1 જુલાઈથી તમારા ખિસ્સા પર કેટલો બોજ વધશે?
ક્રેડાઈ દ્વારા આ વધારાને ‘ફેઝ-વન’ ગણાવવામાં આવ્યો છે, એટલે કે ભવિષ્યમાં હજુ પણ ભાવ વધી શકે છે. 1 જુલાઈથી આ ભાવવધારો બે અલગ-અલગ કેટેગરીમાં લાગુ થશે, જેમાં હાલમાં જ શરૂ થયેલા નવા પ્રોજેક્ટ્સમાં સીધો 10% નો ભાવ વધારો કરવામાં આવશે, જ્યારે જે પ્રોજેક્ટ્સનું કામ પૂર્ણાહુતિના આરે છે તેમાં ખરીદદારો પર 5% જેટલો વધારો આવશે.
બાંધકામ ઉદ્યોગ પર આવી પડેલી આ આર્થિક સંકટની સ્થિતિ વચ્ચે ડેવલપર્સે સરકાર પાસે મદદની ગુહારી લગાવી છે. ક્રેડાઈ દ્વારા સરકાર સમક્ષ GST અને અન્ય ટેક્સમાં રાહત આપવાની સાથે સ્ટેમ્પ ડ્યુટીમાં પણ ઘટાડો કરવા રજૂઆત કરાઈ છે, જેથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને ગ્રાહકો બંનેને થોડી રાહત મળી શકે. જો કે, આ અંગે સરકાર તરફથી તાત્કાલિક કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા હાલના તબક્કે જણાતી નથી.