ખેડામાં શિક્ષકે ધો.5ની વિદ્યાર્થિનીઓની છેડતી કરી બચકા ભર્યાં!:આક્ષેપ સાથે ગ્રામજનો પોલીસ મથકે ઉમટ્યા,

By: Nation Gujarat Team
02 Apr, 2026

ખેડાના માતરમાં આવેલી સિંજીવાડા પ્રાથમિક શાળામાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. શાળામાં અભ્યાસ કરતી ધોરણ 5ની માસૂમ દીકરીઓ સાથે હંગામી ધોરણે ફરજ બજાવતા શિક્ષકે છેડતી કરી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યાં છે. આ મામલે પીડિત બાળકીઓના વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં પોલીસ મથકે  ઉમટી પડયા હતા અને આરોપી શિક્ષક સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી.

આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, સિંજીવાડાની પીએમશ્રી પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી 3 થી 4 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે શિક્ષક અરુણ પટેલે અશોભનીય વર્તન કર્યું હતું. આ બાબતની જાણ દીકરીઓના પરિવારજનોને થતા વાલીઓ તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા. ઘટનાને પગલે આખા ગામમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોના ટોળેટોળા શાળા પરિસરમાં એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ શિક્ષકની આ હરકતનો સખત વિરોધ કર્યો હતો.

ભોગ બનનાર એક વિદ્યાર્થિનીના ભાઈએ આક્ષેપ કર્યો હતો કે, શિક્ષકે શાળામાં 3 થી 4 દીકરીઓની છેડતી કરી હતી. એક છોકરી ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહી હતી. જોકે, તે છોકરી તેના હાથમાં આવી ગઈ હતી, તેને શિક્ષકે બચકા ભર્યા હતા અને તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર બાબતને લઈને સમગ્ર પરિવાર અને ગ્રામજનો ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

સિંજીવાડાના સરપંચ મનોજ રાઠોડે આ ઘટના અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પીએમશ્રી સિંજીવાડા પ્રાથમિક શાળામાં હંગામી ધોરણે લેવામાં આવેલા શિક્ષકે આ પ્રકારનું કૃત્ય કર્યું છે. ગામના લોકોની એક જ માંગ છે કે, આ શિક્ષક સામે કાયદેસરનો ગુનો દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરી ન બને તેવો દાખલો બેસાડવો જોઈએ. જેથી બાળકો શાળામાં સુરક્ષિત અનુભવી શકે.

શાળાના મુખ્ય શિક્ષક લાલા પરમારે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે આ ઘટના બની હોવાની માહિતી તેમને મળી હતી. આ વિગતો જાણ્યા બાદ તાત્કાલિક વાલીઓનો સંપર્ક કર્યો હતો અને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ધોરણ 5ની વિદ્યાર્થિનીઓની છેડતી થઈ હોવાનું જણાયું હતું. હું પોતે વાલીઓ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર રહીને આરોપી શિક્ષક સામે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયામાં જોડાયો હતો.

ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ પણ એક્શનમાં આવી હતી. પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળેટોળા એકઠા થઈ જવાથી પરિસ્થિતિ તંગ બની હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી શિક્ષક અરુણ પટેલની અટકાયત કરી લીધી છે. હાલમાં પોલીસ દ્વારા ભોગ બનનાર પરિવારોના નિવેદન લેવાની સાથે આગળની તપાસ શરૂ કરી છે. સમગ્ર બાબતે લીંબાસી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ સોનલબેન ચાવડાએ જણાવ્યું હતું કે, આ ઘટનાને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે અને આરોપીની અટકાયત કરવામાં આવી છે.


Related Posts

Load more