Tea Post Brand Controversy: NCLTનો મોટો ધડાકો, કરોડોનો નફો પરત કરવો પડશે!

By: Nation Gujarat Team
08 May, 2026

Tea Post Brand Controversy: ગુજરાતની જાણીતી ચાની બ્રાન્ડ ‘ટી-પોસ્ટ’ (Tea Post) લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (National Company Law Tribunal – NCLT) દ્વારા આ કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે, જે કોર્પોરેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ટ્રિબ્યુનલે રાજગુરુ ગ્રુપ (Rajguru Group) અને દશાણી ગ્રુપ (Dashani Group) વચ્ચેના વિવાદમાં સ્પષ્ટ કર્યું છે કે બ્રાન્ડ ટ્રાન્સફર પ્રક્રિયામાં મોટી અનિયમિતતાઓ આચરવામાં આવી હતી.

માત્ર 35 લાખમાં આખી બ્રાન્ડની તબદીલી

આ કેસની વિગત એવી છે કે, પ્રખ્યાત બ્રાન્ડ ટી-પોસ્ટને કોઈ પણ પ્રકારના અધિકૃત વેલ્યુએશન (Valuation) વિના જ માત્ર રૂ. 35 લાખ જેવી મામૂલી રકમમાં નવી કંપનીમાં તબદીલ કરી દેવામાં આવી હતી. દર્શન દશાણી ગ્રુપ (Darshan Dashani Group) દ્વારા જ્યારે આ બ્રાન્ડ ટ્રાન્સફર કરવામાં આવી, ત્યારે કાયદેસરની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. NCLT એ નોંધ્યું હતું કે આ ટ્રાન્સફર વખતે કોઈ પ્રમાણભૂત વેલ્યુએશન રિપોર્ટ (Valuation Report) રજૂ કરવામાં આવ્યો ન હતો, જે બિઝનેસના નિયમોનું ઉલ્લંઘન છે.

 

3 મહિનામાં કુલ નફો મૂળ કંપનીને પરત કરવા આદેશ

બ્રાન્ડ નવી કંપનીમાં ગયા બાદ, નવી કંપનીમાં શેરહોલ્ડિંગ (Shareholding) પેટર્નમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. આ નવી કંપનીના શેર ખૂબ જ ઊંચી કિંમતે વેચવામાં આવ્યા હતા, જેનાથી મોટો નફો રળવામાં આવ્યો હતો. NCLTએ અવલોકન કર્યું કે આ પ્રક્રિયાથી મૂળ કંપની પોતાની કાયદેસરની આવકથી વંચિત રહી ગઈ હતી. આ તમામ ગંભીર મુદ્દાઓને ધ્યાને રાખીને, ટ્રિબ્યુનલે હુકમ કર્યો છે કે બ્રાન્ડ ટ્રાન્સફર કર્યા બાદ શેર વેચીને જે નફો મેળવવામાં આવ્યો છે, તે તમામ નફો મૂળ કંપનીને પરત કરવો પડશે. આ રકમ આગામી 3 મહિનાની અંદર પરત કરવાની રહેશે.

આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે ઘણી કંપનીઓ ઇન્ટરનલ ટ્રાન્સફર દ્વારા શેરહોલ્ડિંગમાં ફેરફાર કરતી હોય છે. NCLTના આ આદેશથી સ્પષ્ટ થાય છે કે પારદર્શિતા અને યોગ્ય વેલ્યુએશન વિના કરવામાં આવેલી કોઈ પણ કોર્પોરેટ ડીલ કાયદેસર ટકી શકશે નહીં.


Related Posts

Load more