‘દેશમાં લોકડાઉન નહીં લાગે, ટીમ ઈન્ડિયા બનીને કામ કરો’, મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં PM મોદીની અપીલ

By: Krunal Bhavsar
27 Mar, 2026

વડાપ્રધાન મોદી ની મુખમંત્રીઓ જોડે ની વર્ચ્યુઅલ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે(27 માર્ચ) મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને પડકારો સામે તૈયારીઓ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ રાજ્યોને ટીમ ઈન્ડિયાની જેમ મળીને કામ કરવાની સલાહ આપી, સાથે જ રાજ્યોને તૈયારીઓ મજબૂત રાખવા જણાવ્યું હતું. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન કટોકટીને કારણે દેશમાં કોઈ લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ યુદ્ધ અંગે લોકસભા અને રાજ્યસભામાં સંબોધન પણ કર્યું હતું. જેમાં તેમણે રાજ્ય સરકારોને સહકાર આપવા તથા ‘ટીમ ઇન્ડિયા’ની ભાવનાથી કામ કરવા હાંકલ કરી હતી.

પીએમ મોદીએ થોડા દિવસો પહેલા જ દેશને એલર્ટ કર્યો હતો કે, મિડલ ઈસ્ટનું આ સંકટ ભારત માટે લાંબી મુસીબતો ઉભી કરી શકે છે. કેન્દ્ર સરકાર પોતાની તરફથી દરેક સંભવિત પગલાં લઈ રહી છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર આ યોજનાઓને સફળ બનાવવાની અસલી જવાબદારી રાજ્યોના ખભા પર છે. તેથી, તેમણે મુખ્યમંત્રીઓને અપીલ કરી છે કે તેઓ પોતપોતાના રાજ્યોમાં એવી વ્યવસ્થા કરે જેથી સામાન્ય માણસની જરૂરિયાતની વસ્તુઓ પર કોઈ આંચ ન આવે. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે દેશ સંકટમાં હોય ત્યારે કેન્દ્ર અને રાજ્યોએ મળીને એક પરિવારની જેમ લડવું પડે છે.

 

‘ટીમ ઈન્ડિયા’ બનીને કામ કરવાની આપી સલાહ

વડાપ્રધાન મોદીએ આ સ્થિતિની સરખામણી બરાબર 6 વર્ષ પહેલા આવેલી કોરોના મહામારી સાથે કરી છે. તેમણે કહ્યું કે, ‘જે રીતે કોવિડ-19 દરમિયાન કેન્દ્ર અને રાજ્યોએ ટીમ ઈન્ડિયા બનીને કામ કર્યું હતું, આજે ફરીથી એ જ જુસ્સાની જરૂર છે.’ આજે જ્યારે મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે તેલના ભાવ વધવા અને સપ્લાય ચેઈન તૂટવાનો ડર સતાવી રહ્યો છે, ત્યારે પીએમ મોદીનું રાજ્યોને આહવાન દર્શાવે છે કે ભારતની અસલી તાકાત તેની એકતામાં છે. ‘ટીમ ઈન્ડિયા’નો આ નવો મંત્ર આજની બેઠકમાં સૌથી મોટું હથિયાર બનવાનો છે. સરકારની કોશિશ છે કે મિડલ ઈસ્ટની આગની જ્વાળાઓ ભારતની અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતાના રસોડા સુધી ન પહોંચે.

ભારતમાં લોકડાઉન લગાવવાની વાતો માત્ર અફવા: કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

યુદ્ધ અને ઊર્જા સંકટને કારણે સોશિયલ મીડિયા પર લૉકડાઉન લાગુ થવાની અફવાઓ જોર પકડી રહી હતી. આ મામલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ભારત સરકાર પાસે લૉકડાઉન લાદવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી અને આવી અફવાઓ તદ્દન ખોટી છે. મંત્રીએ જણાવ્યું કે અત્યારની વૈશ્વિક પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, પરંતુ નાગરિકોએ ગભરાવાની કે પેનિક (Panic) થવાની જરૂર નથી. સરકાર ઊર્જા, સપ્લાય ચેઇન અને જીવનજરૂરી ચીજવસ્તુઓની સ્થિતિ પર દરરોજ ‘રિયલ ટાઇમ’ નજર રાખી રહી છે. તેમણે લોકોને શાંત રહેવા અને જવાબદારીપૂર્વક વર્તવા અપીલ કરી છે.

પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના સપ્લાયમાં મોટો ઘટાડો થતાં સંકટની ઘડી સર્જાઈ છે ત્યારે કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરતાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી 10-10 રૂપિયા ઘટાડી દીધી છે. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા ઘટાડીને 3 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી શૂન્ય કરી દેવામાં આવી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ‘ટીમ ઇન્ડિયા’ બનીને કામ કરવું પડશે: પીએમ મોદી

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, આ સંકટ આપણી મોટી પરીક્ષા લેશે અને આ પરીક્ષામાં રાજ્યોનો સહકાર મળે તે આવશ્યક છે. સંકટના સમયમાં ગરીબ અને શ્રમિકો પર અસર પડે છે. તેથી તેમને અનાજ મળતું રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. રાજ્ય સરકારોએ આવા સમયમાં સંગ્રહખોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. જરૂરી ચીજ વસ્તુઓની સપ્લાય ચાલતી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. હું તમામ રાજ્ય સરકારોને અનુરોધ કરવા માંગુ છું કે સંકટ ભલે ગમે તેટલું મોટું હોય, ભારતની અર્થવ્યવસ્થા તેજીથી આગળ વધે તે માટે સતત પ્રયાસ કરવા પડશે. કોરોના સંકટ સમયે કેન્દ્ર અને રાજ્યોએ ટીમ ઇન્ડિયા બનીને સારું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આપણે તે જ ભાવના સાથે આગળ પણ કામ કરવાનું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોથી દેશ આ ગંભીર વૈશ્વિક સંકટનો સામનો કરશે.


Related Posts

Load more