ઇન્ટરનેશનલ ટાઈગર ડે : દુનિયામાં આશરે 3,890થી 4000 વાઘ છે : ભારતમાં છે 3,682 (75 ટકા) વાઘ નો વસવાટ

By: Krunal Bhavsar
29 Jul, 2025

નવીદિલ્હી : આજે ઇન્ટરનેશનલ ટાઈગર-ડે છે : દર વર્ષે ૨૯ જુલાઈએ તે ઉજવાય છે. તેનો પ્રારંભ ૨૦૧૦માં રશિયાનાં સેન્ટ પીટસબર્ગમાં મળેલી ટાઈગર સમિટ સાથે થયો છે. તે દિવસ ઇન્ટરનેશનલ ટાઈગર-ડે ઉજવાય છે.

ઉલ્લેખનીય છે કે, વાઘ એશિયામાં જોવા મળે છે. યુરોપ-આફ્રિકા કે અમેરિકાના બંને ઉત્તર અને દક્ષિણ ખંડોમાં જોવા મળતા નથી. ઓસ્ટ્રેલિયા ખંડના દક્ષિણમાં આવેલા ટાસ્માનિયા ટાપુમાં નાના કદના ટાસ્માનિયન ટાઈગર્સ હતા. પરંતુ શિકારની લાલસાથી તે પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે.

આશરે ૧૦૦ વર્ષ પૂર્વે દુનિયામાં વાઘની સંખ્યા લાખ્ખોમાં હતી. પરંતુ શિકાર, જંગલોની કાપણી અને વાઘના ચામડાંના ગેરકાયદે વ્યાપાર જેને લીધે તેમના થતા શિકારને લીધે વાઘની સંખ્યા ઘટતી જ ગઈ છે.

૨૦૨૨માં ગ્લોબલ ટાઈગર સેન્સસ પ્રમાણે દુનિયામાં આશરે ૩,૮૯૦ થી ૪૦૦૦ વાઘ છે. જે પૈકી એકલા ભારતમાં જ આશરે ૩,૬૮૨ વાઘ છે. જે તેમની વૈશ્વિક સંખ્યાના ૭૫ ટકા જેટલા છે.

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે

રશિયા : સાઈબેરિયન ટાઈગર ફાર-ઈસ્ટના ચામુર વિસ્તારના જંગલોમાં જોવા મળે છે. જેની સંખ્યા ૫૦૦થી ૬૦૦ જેટલી છે.

ઈન્ડોનેશિયા : અહીં સુમાત્રા ટાઈગર જોવા મળે છે. જે સંખ્યા ૪૦૦ આસપાસ છે પરંતુ તે લુપ્ત થતા જાય છે.

નેપાળ : ચિતવન અને બાર્ડીયા નેશનલ પાર્કમાં આશરે ૩૫૦ થી ૪૦૦ વાઘ છે.

મલેશિયા : મલેશિયન ટાઈગરની સંખ્યા આશરે ૧૫૦ હોવાનો અંદાજ છે.

બાંગ્લાદેશ : સુંદરવન મેનગ્રોવ જંગલોમાં આશરે ૧૦૦થી ૧૫૦ વાઘ જોવા મળે છે.

થાઈલેન્ડ : ઇન્ડોચાઈનીઝ-ટાઈગર તરીકે ઓળખાતા વાઘની સંખ્યા આશરે ૧૫૦ છે.

ભારત-નેપાળ અને બાંગ્લાદેશમાં મળી ભારતીય ઉપખંડમાં વાઘની સંખ્યા આશરે કુલ મળી ૪,૨૩૨ થવા જાય છે. એટલે કે દુનિયાભરમાં સૌથી વધુ વાઘ ભારતીય ઉપખંડમાં છે.

ભારતમાં ૫૩ ટાઈગર રીઝર્વ છે. જે વાઘોનાં રક્ષણ માટે બનાવાયાં છે. ૨૦૨૨નાં સેન્સર પ્રમાણે ભારતમાં ૩,૬૮૨ વાઘ હતા. ૨૦૧૮માં તે સંખ્યા ૨૯૬૭ હતી એટલે કે ૨૦૧૮થી ૨૦૨૨ સુધીમાં સંખ્યામાં ૨૪ ટકા વધારો થયો છે. તે પ્રોજેક્ટ ટાઈગર અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ)ના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે.

ભારતમાં સૌથી વધુ વાઘ ક્યાં છે તે જોઈએ :

(૧) જિમ-કાર્બેટ ટાઈગર રીઝર્વ- ઉત્તરાખંડ સંખ્યા ૨૬૦ વાઘ છે. આ પ્રદેશ ટાઈગર સફારી માટે પ્રખ્યાત છે.

(૨) બાંદીપુર ટાઈગર રીઝર્વ (કર્ણાટક) : આ નીલગીરી બાયોસ્ફીયરનો ભાગ છે. અહીં ૧૫૦ વાઘ છે.

(૩) નાગરહૉલ ટાઈગર રીઝર્વ (કર્ણાટક): અહીં ૧૪૧ વાઘ છે. આ પણ નીલગીરી બાયોસ્ફીયરનો ભાગ છે.

(૪) બાંધવગઢ ટાઈગર રીઝર્વ (મધ્ય પ્રદેશ): અહીં ૧૩૫ વાઘ વસે છે.

ટૂંકમાં ભારત વાઘનું સૌથી મોટું આશ્રય સ્થાન છે. ગુજરાતમાં ડાંગ જિલ્લામાં પણ વાઘ જોવા મળે છે. જો કે તેમની સંખ્યા ઘણી થોડી છે.


Related Posts

Load more