
ઓઇલ વિવાદ મુદ્દે ભારતનો ટ્રમ્પને જવાબ
અમેરિકામાં આવતા અઠવાડિયે નવું બિલ લાવવાની તૈયારી છે. જેમાં રશિયાથી ઓઇલ ખરીદતા દેશો પર 500 ટકા ટેરિફ લગાવવાની જોગવાઈ છે. જે મુદ્દે ભારતે કહ્યું છે કે આ બિલ પર અમે નજર રાખી રહ્યા છે. અમારી ઊર્જા ખરીદીની નીતિ પહેલેથી જ સ્પષ્ટ છે. અમે ગ્લોબલ માર્કેટમાં ઉતાર ચઢાવ તથા અમારી જરૂરિયાત પ્રમાણે નિર્ણય લઈએ છીએ. ભારત કોઈ પણ દેશ જોડે થી ઓઇલ ખરીદવા માટે સ્વતંત્ર છે. અમે 140 કરોડ લોકોની ઊર્જાની જરૂરિયાત સાથે કોઈ બાંધછોડ કરીશું નહીં.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે વધુમાં કહ્યું, કે અમેરિકા તરફથી આપવામાં આવી રહેલી જાણકારી ‘સ્પષ્ટ’ નથી. ભારત અને અમેરિકા વચ્ચે 13 ફેબ્રુઆરી, 2025થી ગંભીર વાટાઘાટો ચાલી રહી છે. અમે આજે પણ એવી ડીલ માટે તૈયાર છીએ જેનાથી બંને દેશોને લાભ થાય. અમે એક સંતુલિત ટ્રેડ ડીલ માટે સતત મહેનત કરી રહ્યા છીએ.
Delhi: MEA Spokesperson Randhir Jaiswal says, "…On energy sourcing, our position has been clarified several times. You know exactly what our broad approach to energy sourcing from the global market is…" pic.twitter.com/cIJAgICdle
— IANS (@ians_india) January 9, 2026
પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે 2025માં 8 વખત ટેલિફોનિક વાતચીત થઈ: વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે મોટું નિવેદન આપતાં એ સ્પષ્ટ કર્યું છે, કે વર્ષ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ વચ્ચે 8 વખત ટેલિફોનિક વાતચીત થઈ છે. નોંધનીય છે કે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ હાલમાં જ કહ્યું હતું, કે અમેરિકા ભારત સાથે ટ્રેડ ડીલ કરવા માટે તૈયાર હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ફોન ન કર્યો. જેના કારણે ડીલ થઈ શકી નહીં.
અમેરિકાએ હાલમાં જ રશિયાનું એક જહાજ સીઝ કર્યું છે. જેના પર 3 ભારતીયો પણ સવાર હોવાના અહેવાલ અંગે વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે, કે અમે સતત નજર રાખી રહ્યા છે.
આ સિવાય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ અંગે પણ મોટું નિવેદન આપ્યું. વિદેશ મંત્રાલયે કહ્યું, કે બાંગ્લાદેશ સરકાર લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાના કેસમાં તાત્કાલિક કડક કાર્યવાહી કરવી જોઈએ. બાંગ્લાદેશમાં લઘુમતીઓમાં ભય અને અસુરક્ષાની ભાવના વધી રહી છે. સાંપ્રદાયિક ઘટનાઓને રોકવી તે ત્યાંના તંત્રની જવાબદારી છે.

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં શકસગામ ખીણમાં ચીન દ્વારા થઈ રહેલા નિર્માણકાર્ય સામે પણ ભારતે વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે, કે આ સંપૂર્ણ વિસ્તાર ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાન અને ચીન વચ્ચે 1963માં થયેલો કરાર ગેરકાયદે છે. ભારતે ક્યારેય આ કરારને માન્યતા નથી આપી. જમ્મુ કાશ્મીર અને લદાખ ભારતનો હિસ્સો છે. ચીન અને પાકિસ્તાનને આ વાતથી વારંવાર જણાવવામાં આવી છે. ભારતની જમીન પર પાકિસ્તાન ગેરકાયદે કબજો કર્યો છે અને ત્યાં કોઈ પણ પ્રકારનો વિદેશ હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી.

અમેરિકાના મિનેપોલિસમાં ઈમિગ્રેશન અધિકારી દ્વારા મહિલા પર ફાયરિંગ કરવા મુદ્દે વિદેશ મંત્રાલયે કહ્યું છે, કે અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ તથા પ્રોફેશનલ્સ રહેતા હોવાથી અમે સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ. આટલું જ નહીં વિદેશ મંત્રાલયે ઈરાન, ગ્રીનલૅન્ડ મામલે પણ ટિપ્પણી કરતાં કહ્યું, કે અમે નજર રાખી રહ્યા છીએ. સોમાલિયા અંગે પણ ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે, કે સોમાલિયા સાથે ભારતના જૂના સંબંધો રહ્યા છે. સોમાલિયાના સાર્વભૌમત્વની રક્ષા થવી જોઈએ.