કાર બ્લાસ્ટ થી ધ્રજી ઉઠ્યું દિલ્હી : લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં મોટો બ્લાસ્ટ થતા 9 લોકોના મોત,14થી વધુ ઘાયલ

By: Krunal Bhavsar
10 Nov, 2025

દેશ ની રાજધાની પર આવ્યું સંકટ : આતંકવાદી ષડયંત્રના ખુલાસા વચ્ચે ભારત દેશ ની રાજધાની દિલ્હીથી સંકટ રૂપી એક મોટા આઘાત જનક સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક પાર્ક કરેલી એક કારમાં મોટો “બ્લાસ્ટ”થયો છે. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની તીવ્રતાને લીધે નજીકમાં ઊભેલા અન્ય ત્રણથી ચાર વાહનોમાં પણ તાત્કાલિક આગ લાગી ગઈ હતી, જેમાં કેટલાંક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ દાવા કરવામાં આવ્યા છે. બ્લાસ્ટની ઘટના મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ પાસે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર 9 લોકોના મોત થયા છે અને 14 થી વધુ ઘાયલ થયા છે.

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસની ટીમ અને સુરક્ષા એજન્સીઓ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના સાત વાહનો પહોંચ્યા હતા. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બ્લાસ્ટના સ્થળ સહિત સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.

પોલીસ દ્વારા બ્લાસ્ટના કારણોની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. દેશમાં ચાલી રહેલા આતંકવાદી ષડયંત્રના ખુલાસા વચ્ચે આ બ્લાસ્ટ થતાં સુરક્ષા એજન્સીઓ અત્યંત ગંભીરતાથી મામલાની તપાસ કરી રહી છે કે આ કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી કોઈ આતંકવાદી કૃત્ય.

I-20 કારના માલિક સલમાનની અટકાયત

વિસ્ફોટમાં જે કારનો ઉપયોગ થયો હોવાનું કહેવાય છે, તે I-20 કાર સલમાન નામના વ્યક્તિના નામે નોંધાયેલી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કાર માલિક સલમાનની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન સલમાને કહ્યું છે કે, તેણે આ કાર અન્ય કોઈ વ્યક્તિને વેચી દીધી હતી. આ કાર હરિયાણાની HR નંબરની હતી, જેનું રજિસ્ટ્રેશન વર્ષ 2014માં ગુરુગ્રામના સરનામે થયું હતું. સફેદ રંગની આ કારમાં CNG કીટ લાગેલી હતી. પોલીસ હવે RTOના રેકોર્ડ્સ દ્વારા કારના વેચાણ અને ટ્રાન્સફરની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે, જેથી એ જાણી શકાય કે વિસ્ફોટ સમયે આ કાર કોના કબજામાં હતી અને તેનો હાલનો સાચો માલિક કોણ છે.

ગૃહમંત્રી અમિત શાહ ઘટનાસ્થળની મુલાકાતે 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે સ્થળે બ્લાસ્ટ થયો ત્યાં પહોંચ્યા હતા. ઘટનાસ્થળની મુલાકાત લઈ તેમણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.

તમામ એંગલથી તપાસ કરાશે, આઠના મોત : ગૃહમંત્રી અમિત શાહ 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર ઘટના અંગે જાણકારી આપતા કહ્યું, કે ‘હ્યુન્ડાઈ i20 કારમાં સાંજના 7 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ બાદ અન્ય ગાડીઓ પણ ક્ષતિગ્રસ્ત થઈ. અત્યાર સુધી આઠ લોકોના મોત થયા છે જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે. તમામ એંગલથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આવતીકાલે ગૃહમંત્રાલયમાં હાઈલેવલ મીટિંગ

અમિત શાહે વધુમાં કહ્યું, કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચ, NIA ટીમ, SPG ટીમ અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આવતીકાલે ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાશે.

શું દિલ્હીમાં બ્લાસ્ટ આતંકવાદી ઘટના હતી? 

આ બ્લાસ્ટ આતંકવાદી ઘટના છે કે નહીં તે અંગે જવાબ આપતા અમિત શાહે કહ્યું, કે અમે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ. ઘટનાસ્થળથી લેવામાં આવેલા સેમ્પલની FSL અને NSG દ્વારા તપાસ ન થાય ત્યાં સુધી કશું પણ કહેવું અઘરું છે.

દિલ્હી પોલીસનું પ્રથમ સત્તાવાર નિવેદન

દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચાએ કહ્યું, કે આજે સાંજે 6.52 વાગ્યે ધીમી ગતિથી આવતી એક ગાડી રેડ લાઈટ પર ઊભો રહી અને તે બાદ તેમાં બ્લાસ્ટ થયો. આસપાસની ગાડીઓને પણ નુકસાન થયું. NIA સહિતની તમામ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી છે. મેં ગૃહમંત્રી સાથે પણ સમગ્ર ઘટના અંગે વાત કરી છે.

દિલ્હીમાં અનેક સ્થળો પર તપાસ શરૂ 

લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ પોલીસે દિલ્હીમાં અનેક સ્થળો પર દરોડા શરૂ કર્યા છે. કાર બ્લાસ્ટ થતાં 200 મીટર સુધીની ગાડીઓમાં આગ લાગી હતી. અનેક સ્થળો પર તપાસ શરૂ કરી દેવાઈ છે. દિલ્હીમાં જે સ્થળે બ્લાસ્ટ થયો તે સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો છે. NIA અને NSGની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હજુ પણ ઈજાગ્રસ્તોને લઈને ઍમ્બ્યુલન્સ LNJP હોસ્પિટલ પહોંચી રહી છે.

અનેક રાજ્યોમાં હાઈઍલર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી પાસે બ્લાસ્ટની અંગે જાણકારી મેળવી છે. બ્લાસ્ટ બાદ ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાં પોલીસને હાઈઍલર્ટ કરી દેવાઈ છે.

લાલ કિલ્લા પાસે દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર

લાલ કિલ્લો વિસ્તાર અને તેની નજીક આવેલું ચાંદની ચોક માર્કેટ દિલ્હીના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંનું એક છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો અહીં ખરીદી અને અવરજવર માટે આવતા હોય છે. વિસ્ફોટનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક બાબતોની તપાસ કરી રહી છે. હાલમાં ઈજાગ્રસ્તો નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


Related Posts

Load more