ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. અને બાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ કલાકારોનું બહુમાન કર્યું હતું. જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવાના મામલે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. ભારે વિવાદ બાદ આખરે આ મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.
સરકારના પ્રવક્તા મંત્રીની પ્રતિક્રિયા
ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ‘કલાકારોની કોઇ જ્ઞાતિ હોતી નથી. આ અચાનક ઉભો થયેલો પ્રસંગ હતો, અચાનક યાદ આવ્યું એટલે આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેટલા કલાકારો યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું. કોઇ વ્યક્તિ વિશેષ કે કોઇ જાતિ વિશેષ કાર્યક્રમ ન હતો. અચાનક કરાયેલા આયોજનના લીધે ભૂલાઈ ગયા હશે’.
સરકારને બદલે ભાજપે આપી હતી પ્રતિક્રિયા
જ્યારે વિક્રમ ઠાકોરે અવગણનાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે સરકારે આ બાબતે જે તે સમયે કોઈ પ્રતિક્રિયા આપી નહતી, પરંતુ ભાજપ સાંસ્કૃતિક સેલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘આ કોઈ સરકારનો કાર્યક્રમ ન હતો, વ્યક્તિગત સબંધમાં કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું’.
ભાજપ અને સરકારના નિવેદનમાં વિરોધાભાસ
સમગ્ર વિવાદમાં રહી રહીને સરકારે આપેલા નિવેદનથી ઉડીને આંખે વળગે તેવો વિરોધાભાસ પણ જોવા મળ્યો. ભાજપ સાંસ્કૃતિક સેલે કહ્યું હતું કે ‘આ કોઈ સરકારી કાર્યક્રમ ન હતો’, જ્યારે આજે રવિવારે સરકારના પ્રવક્તા મંત્રી કહ્યું કે ‘આ અચાનક ઉભો થયેલો પ્રસંગ હતો, જેટલા કલાકારો યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું’. જો કાર્યક્રમ સરકારી ન હતો તો પછી સરકારના પ્રવક્તા મંત્રીએ નિવેદન આપવાની કેમ જરૂર પડી? એ પણ મોટો સવાલ છે.
સરકારી કાર્યક્રમોમાં ઠાકોર સમાજની અવગણના?
વિક્રમ ઠાકોરે શનિવારે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, ‘ઘણાં સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની સતત અવગણના થાય છે. આ બાબત સરકારની જાણ બહાર પણ હોઇ શકે, કલાકારોને મીડિયેટર વિધાનસભામાં લઈ ગયા હતા, પરંતુ હું ઘણાં સમયથી જોઇ રહ્યો છું કે ઘણાં બધા સરકારી કાર્યક્રમો હોય તેમાં ઠાકોર સમાજનો કોઈ દીકરો કે દીકરી હોતા નથી.’
ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા તેનો વિરોધ નથી, પરંતુ ઠાકોર સમાજને સ્થાન નથી મળતું એનો વિરોધ છે. દરેક કલાકારનું સ્વાગત કર્યું સારી બાબત છે, મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મેં ધ્યાન દોર્યું છે. કલાકારને નાત-જાત નથી હોતી, સરકારે દરેક જાતિના કલાકારનું સન્માન કરવું જોઈએ. શંકરભાઈ ચૌધરીએ તમામ કલાકારને બોલાવ્યા હતા. સરકારી ઇવેન્ટોમાં પણ ઠાકોર સમાજને સરકારી કામ નથી મળતું. સરકારે ઠાકોર કલાકારને પ્રોત્સાહન આપવું જોઈએ. ઠાકોર સમાજ સહિત દરેક સમાજના ચાહક વર્ગ છે.’
અલ્પેશ ઠાકોર અને ગેનીબેનનું પણ વિક્રમ ઠાકોરને સમર્થન
વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘અલ્પેશ ઠાકોરે મારી સાથે વાત કરી હતી, સમાજ નક્કી કરશે તે સ્ટેન્ડ રહેશે. દરેક સમાજના કલાકાર મારી સાથે છે, ગેનીબેને મને સમર્થન કર્યું છે. ઠાકોર સમાજના ગાયકોને જોઈએ તેવું સ્થાન નથી મળતું, સરકારી કાર્યક્રમોને સ્થાન મળવું જોઈએ. ઠાકોર સમાજના નાના બાળ કલાકારોને સરકારે સ્થાન આપવું જોઈએ.’
તમે મને સુપરસ્ટાર માનો છો, પણ સરકાર નથી માનતી…
વિધાનસભામાં કલાકારોને આમંત્રણ અંગે વાત કરતા વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘જ્યારે મારા ઘણાં વડીલો અને ઠાકોર સમાજના ઘણાંં બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઇ તમે નથી ગયા. ત્યારે મેં કહ્યું કે મને આમંત્રણ નથી. સરકારી કામ મેળવાની લાલચ નથી. મને કે મારા ઠાકોર સમાજના કલાકારોને સરકારી કામ નહી મળે તો ભૂખે મરશે નહીં. મેં ક્યારેય એવું કહ્યું નથી કે મને બોલાવો, હું ફિલ્મી કલાકાર છું, સાથે-સાથે ગાયક કલાકાર છું. ભજન ગાઉં છું, સંતવાણી અને માતાજીના ગરબા પણ કરું છું. એ લોકો નથી બોલાવતા એ તેમની મરજીની વસ્તુ છે. કદાચ હું તેમને ગમતો નહીં હોઉં, તમે બધા સુપરસ્ટાર કહો છો પરંતુ તેમને હું સુપરસ્ટાર લાગતો નહીં હોઉં. સામાન્ય એક સિંગર ઠાકોર સમાજમાંથી આવતો છોકરો હોય, તેનું શું વેલ્યૂ હોય એવું માનતા હશે કદાચ.’
શું હતો સમગ્ર મામલો?
ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.
વિક્રમ ઠાકોરે કહ્યું કે, ‘મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો. ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. બસ એટલી જ વિનંતી કરવા માંગું છું સરકારને કે, આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે, હું અભિનંદન પાઠવું છું કે અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું. પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા….’