જન્મ-મરણ વિભાગમાં જન્મ-મરણના પ્રમાણપત્ર ફીમાં વધારો કાલથી અમલમાં

By: nationgujarat
16 Mar, 2025
ભાવનગર : ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગ હસ્તકના જન્મ-મરણ વિભાગમાં જન્મ-મરણના પ્રમાણપત્રની ફીમાં વધારો કરવામાં આવ્યો છે અને તે આગામી તા. ૧૭ માર્ચને સોમવારથી અમલમાં આવશે. તેમ મહાપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થની યાદીમાં જણાવાયું હતું.

યાદીમાં જણાવાયું હતું કે, જન્મ-મરણ પ્રમાણપત્રમાં અરજદાર પાસેથી ૧ કોપીના રૂા. ૫ની ફી લેવામાં આવતી હતી. હાલમાં જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ-૧૯૬૯ની કલમ ૧૮ની કલમ-૩૦ દ્વારા મળેલ સત્તાઓનો ઉપયોગ કરીને ગુજરાત તથા કેન્દ્ર સરકારની મંજૂરીથી ગુજરાત ગવર્મેન્ટ ગેઝેટ તા. ૨૭-૨-૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય, જે અનુસાર હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફર ડિપાર્ટમેન્ટના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર જન્મ-મરણ મરણપત્રમાં ફી વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત ગવર્મેન્ટ ગેઝેટના નિયમ-૫ના પેટા નિયમ(એ) મુજબ ૨૧ દિવસથી ઉપર પરંતુ ૩૦ દિવસની અંદર લેઈટ ફી વધારીને રૂા. ૨૦ કરવાની થાય છે. જ્યારે પેટા નિયમ (બી)માં મુદ્દા નં.૨ મુજબ ૩૦ દિવસ પછી પરંતુ ૧ વર્ષની અંદર જન્મ-મરણ નોંધણીમાં નોટરીના સોગંદનામા મુજબ થતી નોંધણીમાં ફી વધારીને રૂા. ૫૦ કરવાની થાય છે. તો પેટા નિયમ (બી)માં મુદ્દા નં.૩ મુજબ એક વર્ષથી ઉપરના બનાવો માટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રથમ વર્ગ અથવા સિટી મેજિસ્ટ્રેટના હુકમથી થતી નોંધણીમાં લેઈટ ફી વધારીને રૂા. ૧૦૦ કરવાની થાય છે. જન્મ-મરણના પ્રમાણપત્રની ફી રૂા. ૫થી વધારીને રૂા. ૫૦ કરવાની થાય છે.

જન્મ-મરણના પ્રમાણપત્રમાં ફી વધારો તા. ૧૭ માર્ચને સોમવારથી લાગુ કરવામાં આવશે. તેમ યાદીમાં વધુમાં જણાવાયુ હતું.

Related Posts

Load more