રાજકોટમાં બની નિર્ભયા કાંડ જેવી ઘટના! દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ જતાં સાત વર્ષની દીકરીના ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો

By: nationgujarat
10 Dec, 2025
રાજકોટ: જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત ચોથી ડિસેમ્બરના રોજ સાત વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. દુષ્કર્મના પ્રયાસમાં 30 વર્ષીય રામસિંગ તેરસિંગ નામનો આરોપી નિષ્ફળ રહેતા ગુસ્સામાં આવી જઈ તેણે સાત વર્ષીય માસૂમ બાળકીના ગુપ્ત ભાગમાં લોખંડનો સળિયો ઘુસાડી દઈ ગંભીર ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ભોગ બનનાર બાળકીના 25 વર્ષીય પિતા દ્વારા રાજકોટ રૂરલના આટકોટ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 65(2) તેમજ પોક્સોની કલમ 6, 5(I), 5(M) મુજબ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને છેલ્લા કેટલાય સમયથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી સાથે સંકળાયેલા રામસિંગની ધરપકડ કરી લેવામાં આવી છે.
બાળકી સારવાર હેઠળ

રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત ચોથી ડિસેમ્બરના રોજ રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાનપુર ગામની સીમમાં મૂળ દાહોદની વતની અને છેલ્લા કેટલાય સમયથી પોતાના માતા-પિતા સાથે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સાત વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ તેમજ તેના ગુપ્તાંગના ભાગમાં લોખંડનો સળિયો ઘુસાડી ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલાની જાણ આટકોટ પોલીસને થતા પોલીસની મદદથી બાળકીને સારવાર અર્થે રાજકોટ શહેરની જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને રાજકોટ ગ્રામ્યની પોલીસની 10 જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, બનાવ સ્થળની આસપાસના ગામોના સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરી એનાલિસિસ કરવામાં આવ્યા હતા. ટાવર ડમ્પિંગની પણ મદદ લેવામાં આવી હતી. તેમજ 100 જેટલા શકમંદ વ્યક્તિનો ડેટા તૈયાર કરી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જે પૈકી 10 જેટલા વ્યક્તિના ફોટા ચાઇલ્ડ કાઉન્સેલર, મહિલા પોલીસ તેમજ તબીબોની ટીમને સાથે રાખીને ભોગ બનનાર બાળકીને બતાવવામાં આવ્યા હતા. જે પૈકી એક વ્યક્તિને ભોગ બનનાર બાળકી દ્વારા આઇડેન્ટિફાઇ કરવામાં આવતા પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસની પૂછપરછમાં પોતે જ ગુનો આચર્યો હોવાની કબૂલાત આપી છે.
આરોપીની સનસનીખેજ કબૂલાત

આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, ચાર તારીખના રોજ સવારના 11:00 વાગ્યા આસપાસ દીકરીને પાણીના ટાંકાની પાછળ લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તે માટે નિષ્ફળ જતાં તેને ગુસ્સો આવ્યો હતો અને એક ફૂટનો લોખંડનો સળિયો દીકરીના ગુપ્ત ભાગમાં નાંખી દઈ તેને ઇજા પહોંચાડી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી રામસિંગ છેલ્લા બે વર્ષથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. આરોપીને બાર વર્ષની દીકરી તેમજ બે દીકરા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા જરૂરી સાયન્ટિફિક એવિડન્સ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Related Posts

Load more