મોરબી જિલ્લામાં હળવદ પંથકમાં ખેતરોમાં નાખવામાં આવી રહેલા હાઈટેન્શન વીજપોલ નો વિરોધ હવે વધુ ઉગ્ર અને આક્રમક બન્યો છે. વીજપોલના વિરોધમાં ૨૨થી વધુ ગામના સરપંચો અને સેંકડો ખેડૂતો મોટી સંખ્યામાં હળવદ મામલતદાર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. ખેડૂતોના આક્રોશને જોતા મોરબી જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક હળવદ મામલતદાર કચેરી ખાતે દોડી આવ્યો હતો. જો કે, તંત્રના વલણથી નારાજ ખેડૂતોએ કલેક્ટર સાથેની વાતચીતનો સામૂહિક બહિષ્કાર કરીને કચેરી પરિસરને ‘જય જવાન, જય કિસાન’ના ગગનભેદી નારાઓથી ગજવી મૂક્યું હતું.
ખેડૂતોની જમીનમાં વાલીપણા હક અને વળતર વિના નાખવામાં આવતા વીજપોલની કામગીરી સામે જેતપર ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. હળવદ અને મોરબી પંથકના ગ્રામીણ વિસ્તારોમાંથી આ આંદોલનને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. મામલતદાર કચેરીએ એકઠા થયેલા ખેડૂતોએ એકસૂરે માંગ કરી છે કે, જ્યાં સુધી વીજપોલ ઊભા કરવાનું કામ સદંતર બંધ કરવામાં નહીં આવે અને ઉપવાસ પર બેસેલા આંદોલનકારીઓના પારણાં કરાવવામાં નહીં આવે, ત્યાં સુધી વહીવટી તંત્ર સાથે કોઈ પણ પ્રકારની સમાધાનકારી ચર્ચા કરવામાં આવશે નહીં.
ખેડૂતો અને 22 ગામના સરપંચોના આ અણધાર્યા આક્રમક વલણને પગલે કલેક્ટર કચેરી અને પોલીસ તંત્ર ભારે દોડતું થઈ ગયું છે. કચેરી બહાર કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. ખેડૂતોનો આરોપ છે કે તંત્ર દ્વારા તેમની રજૂઆતો સાંભળવાને બદલે કંપનીઓને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે.