Morbi : ખેતીના પાકો માટે પાણીની અત્યંત આવશ્યકતા હોવા છતાં પીજીવીસીએલ (PGVCL) દ્વારા કરવામાં આવતી અનિયમિત વીજ કાપને લીધે આજે હળવદના કિડી, ઈગોરાળા અને અજિતગઢ ગામના ખેડૂતોએ એકત્રિત થઈને હળવદ પીજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે સમય પ્રમાણે વીજળી ના મળતા પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ચોમાસું સિઝન હોવાથી ખેતરોમાં મગફળી અને કપાસના પાક તૈયાર થઈ રહ્યા છે જેમાં પિયતની વધુ જરૂર હોય છે. બીજી તરફ વરસાદે પણ વિરામ લીધો હોવાથી તકલીફ પડી રહી છે. ખેડૂતો સંપૂર્ણપણે વીજળી અને પિયત પર આધારિત બની ગયા છે.
આકડેશ્વર ફિડર હેઠળ આવતા ગામોમાં વીજળીની સતત અવર-જવર અને ઓછા વોલ્ટેજની સમસ્યાને કારણે પિયત કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે, જો સમયસર પિયત નહીં મળે તો આશરે 5 હજાર વીઘામાં ઉભેલો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ શકે છે.
પીજીવીસીએલ કચેરીમાં પહોંચેલા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં વીજ પુરવઠો સુધારવામાં નહીં આવે, તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. કચેરી ખાતે ખેડૂતોના ઉગ્ર દેખાવને પગલે અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા.