“હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું”, અધિકારીઓની હાજરીમાં જ ધારાસભ્યએ પિત્તો ગુમાવ્યો; અરજદારો સાથે કરી ગાળાગાળી!

By: Nation Gujarat Team
04 Aug, 2026

Junagadh news: જુનાગઢના માંગરોળ ખાતે જામવાળી પૂલ પાસે ગેરકાયદેસર રસ્તો બનાવેલો હોવાની માહિતી મળતાં ધારાસભ્ય ભગવાનજી અને નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ પર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. નિરીક્ષણ દરમિયાન ગેરકાયદેસર રસ્તા મુદ્દે સ્થાનિકો અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત વણસતાં ધારાસભ્ય ભગવાનજી શિસ્તના સીમાડા ઓળંગીને ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા. સ્થળ પર હાજર નાયબ કલેક્ટર અને અન્ય અધિકારીઓની હાજરીમાં જ ધારાસભ્યએ સ્થાનિક રહીશો સાથે ગાળાગાળી કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, જામવાળી પુલ નજીક ગેરકાયદેસર રસ્તો બનાવવામાં આવ્યો હોવાની ફરિયાદોને પગલે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને નાયબ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ નિરીક્ષણ માટે પહોંચી હતી. આ નિરીક્ષણ દરમિયાન સ્થાનિક અરજદારો અને ધારાસભ્ય વચ્ચે રસ્તાના પ્રશ્નને લઈને ચર્ચા શરુ થઈ હતી, જે જોતજોતામાં ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગઈ હતી.

“હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું”
અધિકારીઓની હાજરી વચ્ચે જ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાનો પિત્તો ગયો હતો. તેમણે અરજદારોને તતડાવી નાખ્યા હતા અને “હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું” કહીને દાદાગીરી બતાવી હતી. એટલું જ નહીં, જાહેરમાં જ અરજદારોને અપશબ્દો કહીને ગાળાગાળી કરી હોવાના આક્ષેપો સાથેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જવાબદાર અધિકારીની હાજરીમાં જ લોકપ્રતિનિધિનું આવું વર્તન જોઈને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

“મેં ગાળાગાળી નથી કરી, રૂટિન શબ્દો વાપર્યા છે”, ધારાસભ્યનો બચાવ
આ સમગ્ર વિવાદ અંગે જ્યારે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, “મેં કોઈ ગાળાગાળી કરી નથી, માત્ર વાતચીત દરમિયાન સામાન્ય બોલચાલમાં રૂટિન શબ્દોનો જ ઉપયોગ થયો છે.” જોકે, પ્રજાના પ્રશ્નો ઉકેલવા આવેલા પ્રતિનિધિ દ્વારા જ અરજદારોનું જાહેરમાં અપમાન કરવામાં આવતા વિસ્તારના લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.


Related Posts

Load more