MLA હાર્દિક પટેલે લખ્યો મુખ્યમંત્રીને પત્ર, ખેડૂતોને સહાય આપવાની કરી માંગ

By: nationgujarat
29 Oct, 2025

અમદાવાદ : વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે. જેમાં તેઓએ માંગણી કરી છે કે મારા મતવિસ્તાર વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના ખેડૂતોને ભારે વરસાદને કારણે થયેલ નુકશાનનું વળતર ચૂકવવામાં આવે.

MLA હાર્દિક પટેલે લખ્યો મુખ્યમંત્રીને પત્ર

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું કે, મારા મત વિસ્તારમાં ગત 25 ઓક્ટોબરથી આજદિન સુધી પડેલા કમોસમી ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિના કારણે મારા મત વિસ્તારમાં ખેડૂતોને ડાંગર, એરંડા, કપાસ, તુવેર, મઠ જેવા અન્ય પાકમાં ભારે નુકશાન થયું છે.

ખેડૂતોને સહાય આપવા કરી માંગ : વધુમાં જે વિસ્તારમાં ખેડૂતોના પાક સારી પરિસ્થિતિમાં હતા, ત્યાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરમાં ડાંગરનો પાક આડો પડી ગયો છે. આમ ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો પણ જતો રહે તેવી પરિસ્થિતિ બનવા પામેલ છે. ખેડૂતોને ખેતીમાં ખૂબ જ મોટી નુકસાની થયેલ છે. તે માટે મારા મત વિસ્તારના ખેડૂતોને પાક નુકસાનીનો સર્વે ઝડપથી કરાવી સહાય અથવા વળતર ચૂકવવા મારી આપને અંગત ભલામણ સહ વિનંતી છે.

કમોસમી વરસાદથી તૈયાર પાકને ભારે નુકસાન : ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં તૈયાર ડાંગર અને કપાસ સહિતના ખરીફ પાકને મોટાપાયે નુકસાન થયું છે. માવઠાને કારણે ખેડૂતોના સપના ધોવાઈ ગયા છે. ખેડૂતોએ ઉંચા ભાવે ખાતર અને બિયારણ ખરીદીને સારા પાકની આશા રાખી હતી. પાક પણ સારો થયો હતો, પરંતુ કમોસમી વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવ્યું છે. કમોસમી વરસાદને કારણે થયેલા ભારે નુકસાન બાદ હવે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને વળતર આપવાની માંગ કરી રહ્યા છે.


Related Posts

Load more