દેશભરમાં મિશ્ર પ્રતિસાદ: વહીવટી તંત્ર અને કમિશનર એલર્ટ
આ દેશવ્યાપી હડતાલને લઈને દેશના અલગ-અલગ રાજ્યોમાં મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ‘સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન’ (CDSCO)ના અધિકારીઓએ જણાવ્યું કે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોના સંગઠનોએ આ હડતાલથી અંતર રાખ્યું છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, હરિયાણા, છત્તીસગઢ, સિક્કિમ, ઉત્તરાખંડ અને લદ્દાખના રિટેલ ફાર્મસી એસોસિએશન્સે લેખિતમાં ખાતરી આપી છે કે તેઓ દવાઓની અછત સર્જાવા નહીં દે.
જોકે, કર્ણાટકના કેટલાક ભાગોમાં 20 હજારથી વધુ કેમિસ્ટ અને મધ્ય પ્રદેશના ૫૨ જિલ્લા સંગઠનો આ બંધમાં સક્રિય હોવાથી ત્યાં મોટી અસર જોવા મળી શકે છે. તેલંગાણા અને ચંદીગઢ જેવા રાજ્યોમાં ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને જનતા માટે એડવાઇઝરી અને ટોલ-ફ્રી નંબર જાહેર કર્યા છે તેમજ એપોલો અને મેડપ્લસ જેવા કોર્પોરેટ સ્ટોર્સને ફરજિયાત ખુલ્લા રહેવા આદેશ આપ્યા છે. સરકારી અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કેમિસ્ટોની વાજબી ચિંતાઓ પર વિચારણા ચાલુ છે, પરંતુ દર્દીઓના જીવના જોખમે દવાની(medicine) કાળાબજારી કે કૃત્રિમ અછત સર્જનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાશે.