રાજકોટનું ખંઢેરી સ્ટેડિયમ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડે મેચ યોજવા સજ્જ છે. ન માત્ર રાજકોટ, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ક્રિકેટરસિકો આ મેચ જોવા રાજકોટ પધારશે. વર્લ્ડકપ પહેલાંની ફાઇનલ મેચ નિહાળવા ક્રિકેટરસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. SCAના દાવા મુજબ, મોટા ભાગે તમામ ટિકિટનું વેચાણ થઇ ગયું છે. ખંઢેરી સ્ટેડિયમમાં 28,000 પ્રેક્ષકોની કેપેસિટી ધરાવતું સીટિંગ એરેન્જમેન્ટ છે. ત્યારે મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો પહોંચતાં રાજકોટ ક્રિકેટના રંગે રંગાયું છે.
સાત મહિના બાદ ફરી રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાશે. આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડે મેચ બપોરના 1:30 વાગ્યાથી શરૂ થશે, જેનું લાઇવ પ્રસારણ 25 કેમેરા, બે જિમી, બે બગી કેમેરા, એક ડ્રોન અને સ્પાઇડર કેમેરાની મદદથી કરવામાં આવશે. આ સાથે સાથે મેદાનની અંદર ચાર મોટી LED સ્ક્રીન પણ મૂકવામાં આવ્યા છે, જેમાં પણ લોકો લાઇવ સ્ક્રીન નિહાળી શકશે. મનોરંજન માટે ડીજેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેચ દરમિયાન ચોગ્ગા, છગ્ગા કે વિકેટ દરમિયાન ડીજે વગાડી લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં એક બગી કેમેરાના માધ્યમથી લાઇવ પ્રસારણ કરવામાં આવશે. બગી કેમેરો એ એક આધુનિક કેમેરો છે, જેની કિંમત પણ લાખોમાં હોય છે. આ કેમેરો મેચ દરમિયાન સમગ્ર મેદાનમાં બાઉન્ડરી લાઇન પર 360 ડીગ્રીએ ફરી શકે છે. આ કેમેરો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફરી શકે છે.
સ્પાઇડર કેમેરાની શી ખાસિયત છે?
સ્પાઇડર કેમેરા એ કેબલ-સસ્પેન્ડેડ કેમેરા સિસ્ટમ છે, જે સામાન્ય રીતે ક્રિકેટની પિચ, ફૂટબોલ મેદાન અથવા ટેનિસ કોર્ટ જેવા રમતગમતના મેદાન પર ઉપયોગમાં લેવામાં આવે છે. જોયસ્ટિક દ્વારા સ્પાઇડર કેમ પર કેમેરામેન સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે. જોયસ્ટિકનો ઉપયોગ કરીને કેમેરાને કોઈપણ દિશામાં ખસેડી શકાય છે, ઝૂમ કરી શકાય છે, નીચે-ઉપર લઇ જઇ શકાય છે. કેમેરા યુનિટને લટકાવવા માટે ચાર તારનો ઉપયોગ કરવામાં આવે છે. એ 36 કિલોમીટર પ્રતિ કલાકની ટોચની ઝડપે આગળ વધી શકે છે.
29.48 એકર જગ્યામાં સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમનું લોકાર્પણ વર્ષ 2013માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. 72 કરોડના ખર્ચે 29.48 એકર જગ્યામાં સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં 28,000 સીટિંગ કેપેસિટી છે. સાઉથ, વેસ્ટ અને ઇસ્ટ એમ ત્રણ સ્ટેન્ડમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેટ હોસ્પિટાલિટી, પ્રેસિડન્ટ બોક્સ અને સેક્રેટરી બોક્સનો પણ સમાવેશ થાય છે.