Rajkot: ટેક્સટાઇલ કંપની અને શેરના નામે ગોંડલના દંપતીએ આચરી રૂ. 6.18 કરોડની છેતરપિંડી

By: Nation Gujarat Team
07 Jun, 2026

રાજકોટ અને ગોંડલમાં રોકાણના નામે રાતોરાત અમીર બની જવાની લાલચમાં વધુ એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગોંડલના રહેવાસી દિવ્યેશ સાવલિયા અને તેની પત્ની નીલમ સાવલિયાએ પોતાની ‘કામ્યા ટેક્સટાઇલ પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીમાં રોકાણ કરવા માટે માર્કેટમાં મોટી જાળ બિછાવી હતી. આ દંપતીએ શેરબજારમાં રોકાણ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં જંગી નફાની વાત કરી સ્થાનિક રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ, ફરિયાદી જલ્પાબેન રૈયાણી અને તેમના આખા મિત્ર વર્તુળ (ગ્રુપ) ને આ દંપતીએ પોતાની સ્કીમ સમજાવી હતી. રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે આરોપી દંપતીએ શરૂઆતના થોડા મહિના સુધી રોકાણ કરેલી રકમ પર 2 થી 3 ટકા જેટલું નિયમિત વળતર ચૂકવ્યું હતું. આ વળતર જોઈને જલ્પાબેન અને તેમના ગ્રુપે વધુ કમાણીની લાલચમાં આવીને મોટી રકમનું રોકાણ કરી દીધું હતું. જોકે, જેમ જંગી રકમ ભેગી થઈ કે તરત જ આરોપી દિવ્યેશ અને નીલમ સાવલિયાએ વળતર આપવાનું બંધ કરી દીધું હતું અને મુદલ રકમ પણ ઓળવી ગયા હતા.

બી ડિવિઝન પોલીસે તપાસ તેજ કરી

જ્યારે રોકાણકારોએ પોતાની રકમ પરત માંગી ત્યારે દંપતીએ વાયદાના વ્યાપાર શરૂ કર્યા હતા અને અંતે હાથ ઊંચા કરી દીધા હતા. પોતાની સાથે ૬.૧૮ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ જલ્પાબેન રૈયાણીએ રાજકોટ બી ડિવિઝન પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી દંપતીની બેંક વિગતો અને કંપનીના દસ્તાવેજો કબ્જે કરવાની તજવીજ હાથ ધરી છે. આ કૌભાંડનો આંકડો હજુ પણ ઊંચો જવાની અને અન્ય રોકાણકારો પણ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.


Related Posts

Load more