મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી ગોપાળાનંદ સ્વામીબાપાની ૨૧૬ મી દીક્ષા જયંતી ઉજવાઇ

By: nationgujarat
06 Dec, 2023

યોગીવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય સંવત ૧૮૩૭ ની મહા સુદ – આઠમ ને સોમવારના રોજ ટોરડા ગામે થયું હતું. નાનપણથી જ તેમણે અનહદ ઐશ્વર્ય દર્શાવ્યા હતા. તેમની પાસે હિન્દુ હોય કે પારસી જે કોઈ રડતાં આવે તે હસતાં જતા, ગમે તેવાં આલોકનાં દુઃખો તેમનાં દર્શન માત્રથી ટળી જતાં. ગમે તેવા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ દોષો હોય તે તેમની દૃષ્ટિ માત્રે નિવૃત્તિ પામી જતા. તેમની પાસે મૂંગા બાળકો બોલતા અને પંગુ દોડતા થઈ જતા હતા.

સંવત ૧૮૬૪ ના કાર્તિક માસની કૃષ્ણપક્ષની અષ્ટમીએ તેમને ગઢપુરમાં સર્વોપરી, સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને ભાગવતી મહાદીક્ષા આપી હતી.
સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીબાપાએ જીવન પર્યંત સત્સંગની ખૂબ જ સેવા કરી છે. ૨૨ વર્ષ સુધી શ્રીજીમહારાજની સાથે રહી સેવા કરી છે અને ૨૨ વર્ષ સુધી શ્રીજીમહારાજ અંતર્ધાન થયા પછી સત્સંગને સાચવ્યો છે.

અઢારમી સદીમાં જનસમાજની ઊર્ધ્વગતિ કરવામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રદાન મુખ્યત્વે રહયું છે. તેમણે બનાવેલા ૩૪૦૦ જેટલા સંતોએ ટૂંકાગાળામાં ગુજરાતની ધરતી ઉપર ગામડે-ગામડે વિચરણ કરીને ધૂળમાં પોતાનું આખું આયખું ઘસી નાંખ્યું છે. આ સમગ્ર જહેમતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પછી સૌથી વધુ ફાળો તેમના સંતમંડળના યોગીવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો રહ્યો છે. અને એટલે જ શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વે સંતો – હરિભકતો – આચાર્યો સર્વેના સર્વાધ્યક્ષ તરીકે યોગીન્દ્રવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીબાપાને નિમ્યા હતા.અને તે સર્વએ તેમની આજ્ઞામાં રહેવું એમ સૌને આજ્ઞા કરી હતી.

યોગીન્દ્રવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીબાપાનો સમાગમ સૌ કોઈ સંપ્રદાયના હરિભકતો તો શું ? મોટા – મોટા સંતો પણ પોતાનું અહોભાગ્ય માનીને કરતા હતા.

જૂનાગઢના મહંત શ્રી ગુણાતીતાનંદ સ્વામી જેવા ગુણાતીતાનંદ સ્વામીને જ્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને જૂનાગઢની મહંતાઈ સોંપી ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે કે, હું મહંતાઈનો હાર તો જ પહેરું કે જો યોગીન્દ્રવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તેમની દિવ્યવાણી – સમાગમનો લાભ બાર મહિનામાં એક માસ આપે. જો કોઈ વર્ષે ન અવાય તો બીજા વર્ષે બે માસ આવે. મહાપ્રભુએ આ વાત કબૂલ રાખી અને પછીથી કાયમ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પ્રતિ વર્ષ જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને સમાગમનો લાભ આપવા પધારતા હતા.

મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પુનિત નિશ્રામાં યોગીવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની ૨૧૬ મી ભાગવતી મહાદીક્ષા જયંતીની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી. આ પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે યોગીવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું પૂજન, અર્ચન તેમજ આરતી ઉતારી હતી. તેમજ સંતો હરિભક્તોએ પણ આ દિવ્ય પાવનકારી અવસરનો લ્હાવો ઉલ્લાસભેર લીધો હતો. તેમજ સાપ્તાહિક સભાઓમાં પૂજનીય સંતો અને હરિભકતોએ યોગીન્દ્રવર્ય સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા ભાગવતી મહાદીક્ષા જયંતીની ઉલ્લાસભેર ઊજવણી કરી ને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.


Related Posts

Load more