શિકાગો યુનાઈટેડ સ્ટેટ્સના ઈલિનોઈસ રાજ્યમાં આવેલું મોટામાં મોટું શહેર છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર
વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના નોર્થ અમેરિકાના અવિરત વિચરણથી મિડવેસ્ટ શિકાગોમાં સત્સંગની અભિવૃદ્ધિ થઈ.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં “શ્રી સ્વામિનારાયણ મંદિર, મિડવેસ્ટ-શિકાગોમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો ૧૨ મો વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ” ચતુર્થ દિવસીય મહોત્સવની દિવ્યતા અને ભવ્યતા સભર પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ મહોત્સવ દરમ્યાન સ્વાગત સમારોહ, નાના બાળકો માટે પ્લેગ્રાઉન્ડના ઉદ્ઘાટન સમારોહ, મહાપૂજા, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી શ્રી રહસ્યાર્થ પ્રદીપિકાટીકા સહ વચનામૃત ગ્રંથની પારાયણ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયાણો, કથાવાર્તા, રાસોત્સવ, તથા ષોડશોપચારથી, પૂજન, અર્ચન, અન્નકૂટ દર્શન, આરતી, પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા.
આ દિવ્ય પાવનકારી પ્રસંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સંતો તથા હરિભક્તોએ શ્રી ઘનશ્યામ મહારાજનો ષોડશોપચારથી પાટોત્સવ વિધિ, પૂજન, અર્ચન, અન્નકૂટોત્સવ, આરતી ઉતારવાનો અલભ્ય લાભ લીધો હતો.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, સ્વામિનારાયણબાપા , સ્વામીબાપાની સ્મૃતિ તાજી ને તાજી રહે તે માટે આપણા વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આપણને આ મંદિર મહેલ આપ્યો છે. મંદિર એટલે સંસ્કાર કેન્દ્ર. જયાં માણસ પોતાના મનુષ્ય જીવનનું કર્તવ્ય સમજી ભકિતના માર્ગે ચાલે છે. જીવોનાં આત્યંતિક કલ્યાણ માટે આ મંદિરનું નિર્માણ કર્યું છે. ભગવાન ભજવા માટે મંદિરોના નિર્માણ કર્યા છે. ભગવાન ભજવા એ સારી પ્રવૃત્તિ છે તથા મોક્ષમાર્ગને આપનારી છે. સારી પ્રવૃત્તિમાં શાંત નહીં થવાનું , આળસી નહીં થવાનું પરંતુ ભાતૃભાવ કેળવી નાના બાળકો, યુવાનોને ભગવાન ભજવા માટે પ્રાત્સાહિત કરવાના. મુમક્ષુને ખેંચી લાવવાના અને મંદિરને ગાજતાં રાખવાનાં છે તેમાં જ ભગવાનનો રાજીપો છે. પાટોત્સવ પર્વે મિડવેસ્ટ શિકાગોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દિવ્ય અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર ભકિતભાવપૂર્વક લીધો હતો.