શ્રી મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસક્યુ ટીમની વર્લ્ડવાઈડ કામગીરી બદલ દેશવિદેશમાં અપાયેલ એવોર્ડ્સ આચાર્ય સ્વામીજી મહારાજને કરાયા અર્પણ
વિક્રમ સંવતની કારતક સુદ પાંચમને લાભપાંચમ, લાખેણીપાંચમ, સૌભાગ્ય પાંચમ કે જ્ઞાનપાંચમ પણ કહેવામાં આવે છે. આજથી વેપારીઓ નવા વર્ષનો વેપાર-ધંધો શરૂ કરે છે. લાભ એટલે કે લક્ષ્મીના પતિ ભગવાનને જેણે હૃદયમાં ધાર્યા છે તે જ ખરેખર લાભાર્થી છે. અઢળક ધન-સંપત્તિ મળે, સારો કુટુંબ પરિવાર મળે, સારી નોકરી મળે વગેરે મનુષ્યે ઘણા-ઘણા લૌકિક લાભો માન્યા છે. પણ સૌથી મોટો લાભ તો આ મનુષ્યદેહ મળ્યો એ જ છે.
લાભપાંચમની ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે શ્રી સ્વામિનારાયણ ટાવર – સુવર્ણ તુલા સ્મારક ભવનમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું પૂજન અર્ચન આરતી કરીને કરી હતી. ત્યારબાદ વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, મણિનગરના સૂરોની ધણધણાટી સહ વાજતે ગાજતે ભવ્ય રથમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું સ્વાગત સામૈયું કરવામાં આવ્યું હતું. અને શ્રી મુક્તજીવન ઓડિટોરિયમમાં સંતો અને દેશવિદેશના અસંખ્ય હરિભક્તોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
આ શુભ પ્રસંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસક્યુ ટીમ મણિનગર તથા તેની અનેકાનેક શાખાઓ પૈકી શ્રી મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસક્યુ ટીમ પંચમહાલ – દાહોદની વર્લ્ડવાઈડ કામગીરી બદલ દેશવિદેશમાં અપાયેલ વિશ્વ શાંતિ એવોર્ડ, સેફ ટેક એવોર્ડ વગેરે એવોર્ડ્સ
પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજને અર્પણ કરાયા હતા. નેપાળ, બાંગ્લાદેશ, ભારત તથા એશિયન દેશોની સંગઠિત બેઠકમાં ફિલિપાઇન્સ નેશનલ પોલીસના ડાયરેક્ટર જનરલ દ્વારા આપવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી તથા ટીમના હેડ હિતેશભાઈ પટેલ તેમજ તેમની સમગ્ર ટીમને શ્રેષ્ઠ કામગીરી બદલ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે અભિનંદન પાઠવ્યા હતા
આ અવસરનો લાભ દેશ પરદેશના હરિભક્તોએ ઉલ્લાસભેર લીધો હતો.