સનાતન હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. વૈશાખ મહિનાની પૂર્ણિમાને વૈશાખી પૂર્ણિમા, પીપળ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે વૈશાખ પૂર્ણિમા બધામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્કંદ પુરાણ અનુસાર, મહાત્મા બુદ્ધ ભગવાન વિષ્ણુના નવમા અવતાર હતા. એવું માનવામાં આવે છે કે બૌદ્ધ ધર્મના સ્થાપક મહાત્મા બુદ્ધનો જન્મ આ દિવસે થયો હતો, તેથી તેને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે.
વૈશાખ મહિનો પવિત્ર માસ માનવામાં આવે છે. જેના કારણે હજારો ભક્તો પવિત્ર યાત્રાધામોમાં સ્નાન, દાન કરીને પુણ્ય મેળવે છે. પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે તેવું માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના શ્રેષ્ઠ મિત્ર અને સહાધ્યાયી સુદામા દ્વારકામાં શ્રી કૃષ્ણને મળવા આવ્યા ત્યારે ભગવાને તેમને આ વ્રતનું મહત્વ જણાવ્યું. આ વ્રતની અસરથી સુદામાની દરિદ્રતાનો નાશ થયો.
ભૂમંડળસ્થિત તીર્થોત્તમધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજને વૈશાખી પૂર્ણિમાના શુભ દિને શીતળ ચંદનના કલાત્મક વાઘાનો નયનરમ્ય શણગાર ધારણ કરવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી – વચનામૃતમાં ગઢડા છેલ્લા પ્રકરણના ર૩ મા વચનામૃતમાં શ્રીજીમહારાજે સ્વયં જણાવ્યુ છે કે, ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ. તેથી ઉનાળો આવે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠંડક પ્રાપ્ત થાય તે માટે ભગવાનને ઝીણા વસ્ત્રો ધરાવવા જોઈએ અને ભગવાનની આગળ એરકંડીશન મૂકવામાં આવે છે. પરંતુ વૈશાખ માસની અસહ્ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય માટે ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવે છે. આ ચંદનના વાઘા એરકન્ડીશન કરતાં પણ વધુ ભગવાનને ઠંડક એટલે કે શીતળતા આપે છે. માટે, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રીષ્મ ઋતુ દરમિયાન ભગવાનને ઠંડક-શીતળતા પ્રાપ્ત થાય તદર્થે સંતો-ભક્તો દ્વારા ચંદન કાષ્ટને ઘસી અને તેના વિશિષ્ટ શણગાર ભગવાનને ધારણ કરાવવામાં આવે છે.
આ પાવનકારી દિવસોમાં સંધ્યા આરતી બાદ ભગવાનને ધરાવેલ ચંદન ઉતારી લેવામાં આવે છે. ભગવાનનો સ્પર્શ થયેલ ચંદન દરેકને પ્રાપ્ત થાય એટલા માટે આ ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ભક્તોને આપવામાં આવે છે. તે ગોટીમાંથી ભક્તો નિત્ય ચંદન ઘસીને પોતાના કપાળે લગાવે છે અને તિલક કરે છે.અને તિલક ચાંદલો એ સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રતિક છે. તિલક ચાંદલો જોઈને જ ખબર પડી જાય કે આ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી છે. તિલક એ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રતિક છે અને ચાંદલો એ અનાદિમુક્તનું પ્રતિક છે. આમ,ચંદનના વાઘા જે ભગવાનને ધરાવામાં આવે છે તેનો નિત્ય સદ્ઉપયોગ કરવામાં આવે છે. જેને કારણે ભગવાનનું પ્રસાદીભૂત ચંદન સદાય તેમના ભાલે સોહે છે, પવિત્રતા તથા શીતળતાનો સંચાર થાય છે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શનદાન અર્પતા ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરીકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાના વિશિષ્ટતા સભર શણગાર ધરાવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સદ્ગુરુ સંતોએ અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજની શણગાર આરતી ઉતારી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર તથા કડીથી લાઇવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર કર્યા હતાં.