મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા- શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ પૂજનીય સંતોના સાનિધ્યમાં ભાણપુરા – દાહોદમાં કીર્તન ભક્તિ, સંતવાણી કાર્યક્રમ યોજાયો

By: nationgujarat
16 Oct, 2024

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ પૂજનીય સંતોના સાનિધ્યમાં ભાણપુરા – દાહોદમાં હરેશભાઈ મહેન્દ્રભાઈ બારીઆને વધુ મૂર્તિ સુખ મળે તદર્થે કીર્તન ભક્તિ, સંતવાણી – કથાવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ પ્રાર્થના સભામાં જણાવ્યું હતું કે હિન્દુ સનાતન ધર્મના સોળ સંસ્કાર પ્રમાણે માણસનું મૃત્યુ થાય ત્યારે અગ્નિસંસ્કાર થાય છે. સદ્‌ગતની સુખાકારી અર્થે દ્વાદશ કે ત્રયોદશ-તિથિ સુધી ભજન-કીર્તન કરવામાં આવે છે અને શોક હળવો કરવામાં આવે છે. સદ્‌ગતની શ્રદ્ધાંજલિ સભા કે ગુણાનુવાદ સભાનો હેતુ તે આત્માના ઈહલૌકિક અને પારલૌકિક શુભ કર્મો અને ગુણો અન્યને અવગત કરાવવાનો હોય છે. આ પ્રસંગે સદ્‌ગત આત્માના સદ્‌ગુણોના આદર્શ જીવનની પ્રેરણા મેળવવાની સાથે સ્વજનોને દિલાસો-સહાનુભૂતિ માટે તેમજ તેઓના ઉપકારના સ્મરણ સાથે પ્રભુને પ્રાર્થના કરી ઋણમુક્તિ અદા કરવાનો હેતુ રહેલ છે.

ત્યારબાદ સંતમંડળ તેમજ હરિભક્તોએ સાથે મળીને હરેશભાઈ મહેન્દ્રભાઈ બારીઆને વધુ મૂર્તિ સુખ મળે તદર્થે ધૂન્ય પણ કરવામાં આવી હતી.

આ પ્રાર્થનાસભામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમહાલ જિલ્લાના મહંત સંત શિરોમણી શ્રી યોગપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી જ્ઞાનસાગરદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વિગેરે પૂજનીય સંતવૃંદ તેમજ સાંસદ જશવંતસિંહ ભાભોર, ભાણપુરા તથા નાના આંબલીયાના સરપંચશ્રી વગેરે મહાનુભાવો તેમજ ભાવિક હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


Related Posts

Load more