મોત પાછળના 4 સંભવિત કારણો: એક્સપર્ટ્સનું શું કહેવું છે?
આટલા અનુભવી ડાઇવર્સ એકસાથે કેવી રીતે જીવ ગુમાવી બેસે, તે રહસ્ય ઉકેલવા તપાસકર્તાઓ અને ડાઇવિંગ નિષ્ણાતો નીચે મુજબની થિયરીઓ પર કામ કરી રહ્યા છે:
ડાઈવર્સ બહાર આવવાનો રસ્તો ભૂલી ગયા હશે?
સમુદ્રમાં વાવાઝોડા જેવા હવામાનને કારણે ગુફાની અંદરની રેતી અને કાંપ એટલી હદે ઉડ્યા હોઈ શકે કે ગુફાની અંદર જોવાનું સાવ બંધ થઈ ગયું હોય. આના કારણે ડાઇવર્સ બહાર નીકળવાનો રસ્તો ભૂલી ગયા હોવાની પૂરેપૂરી આશંકા છે.
એક સાથીને બચાવવાનો પ્રયાસ અને પેનિક
એવું પણ બની શકે કે સાંકડી ગુફામાં કોઈ એક ડાઇવર ફસાઈ ગયો હોય અને તેને બચાવવાના ચક્કરમાં અન્ય સાથીઓનો ઓક્સિજન ખતમ થઈ ગયો હોય અથવા ગભરાટને કારણે અકસ્માત સર્જાયો હોય.
ઓક્સિજન ટોક્સિસિટીની પણ આશંકા
ડાઇવિંગ નિષ્ણાતો શંકા સેવી રહ્યા છે કે વધુ પડતા દબાણ હેઠળ સિલિન્ડરમાં રહેલો ગેસ ઝેરી બની ગયો હોઈ શકે છે. આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે ડાઇવિંગ ટેન્કનું ગેસ મિશ્રણ નક્કી કરેલી ઊંડાઈ માટે યોગ્ય ન હોય.
ગોપ્રો કેમેરા ખોલશે રહસ્ય:
પ્રોફેસર મોનિકાના પતિ કાર્લોએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની પત્ની દુનિયાની સૌથી અનુભવી ડાઇવર્સમાંની એક હતી અને તે ક્યારેય પોતાની દીકરી કે બીજાના જીવને જોખમમાં ન મૂકે. તેમણે આ દુર્ઘટનાને અણધારી ગણાવીને ઉમેર્યું કે, મારી પત્ની પાસે તેનો GoPro કેમેરો હતો, જે તે અભિયાન દરમિયાન સાથે રાખતી હતી. આ કેમેરો એ તમામ રહસ્યો પરથી પડદો ઉઠાવી શકે છે કે ગુફાની અંદર આખરે શું બન્યું હતું.
એક અણધાર્યો અંત
માલદીવ્સ જેવા ટાપુઓ પર ડાઇવિંગ કે સ્નોર્કલિંગ દરમિયાન આવા જીવલેણ અકસ્માતો ખૂબ જ દુર્લભ છે. પરંતુ આ ઘટના સાબિત કરે છે કે પ્રકૃતિ અને સમુદ્ર ગમે એટલા શાંત દેખાતા હોય, તેમની સામે નાની સરખી ગફલત કે કુદરતનો એક નાનો બદલાવ પણ ભયાનક તબાહી સર્જી શકે છે. આ વૈજ્ઞાનિકો જે દરિયાઈ સૃષ્ટિને બચાવવા અને સમજવા માટે મથતા હતા, આખરે તે જ સૃષ્ટિના રહસ્યોમાં કાયમ માટે વિલીન થઈ ગયા.