મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ ભાઈ ઉદ્ધવ ઠાકરેનો ઉલ્લેખ કરી પાર્ટી કાર્યકર્તાઓને મહત્ત્વની સલાહ આપી છે. આ સાથે તેમણે બૃહદ મુંબઈ કોર્પોરેશન (BMC) ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને એક થવાનું પણ આહવાહન કર્યું છે.
રાજ ઠાકરેએ પાર્ટી કાર્યકર્તાઓને આપ્યો સંદેશ
વાસ્તવમાં બીએમસીની ચૂંટણીને ધ્યાને રાખી બાંદ્રાના રંગશારદા હૉલમાં રાજ ઠાકરેની ઉપસ્થિતિમાં પાર્ટીની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ ઠાકરેએ પાર્ટી કાર્યકર્તાઓને મહત્ત્વનો સંદેશ આપ્યો છે. આ દરમિયાન તેમણે ઉદ્ધવ ઠાકરે સાથે મેળાપનો પણ ઉલ્લેખ કર્યો છે. બે દાયકાના રાજકીય વાંધા બાદ બંને ભાઈ એક થયા છે.
બીએમસી ચૂંટણીની તૈયારી શરૂ કરી દો’
બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા રાજ ઠાકરે (Raj Thackeray)એ કહ્યું કે, ‘જો અમે બંને ભાઈઓ 20 વર્ષ બાદ એક થઈ શકીએ છીએ તો તમે લોકો અંદરોઅંદર કેમ લડી રહ્યા છો? કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ વચ્ચે કોઈપણ વિવાદ ઉભો કરવાના બદલે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દો.’
રાજે મરાઠી ભાષાનો પણ કર્યો ઉલ્લેખ
કાર્યકરો સાથેની બેઠક દરમિયાન રાજ ઠાકરેએ મરાઠી ભાષાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કાર્યકર્તાઓને નિર્દેશ આપતા કહ્યું કે, ‘કોઈપણ કારણ વગર કોઈને પણ ન મારો, પહેલા સમજાવો… જો તેઓ મરાઠી શીખવા અને બોલવા માટે તૈયાર છે તો તેમને શીખવાડો, પરંતુ જો તેઓ ઘમંડ દેખાડે તો આવું જ વલણ અપનાવો. વીડિયો ન બનાવો.’