LPG Price Hike: દિવાળી પહેલા આંચકો… LPG સિલિન્ડર થયો મોંઘો, જાણો દિલ્હીથી મુંબઈ સુધી કેટલો થયો ભાવ?

By: nationgujarat
01 Nov, 2023

આજથી નવેમ્બર મહિનો શરૂ થયો છે અને દિવાળીના પહેલા દિવસે એટલે કે કરવા ચોથના તહેવાર પર એલપીજી સિલિન્ડર પર મોંઘવારી બોમ્બ (એલપીજી પ્રાઈસ હાઈક) ફૂટ્યો છે. વાસ્તવમાં પેટ્રોલિયમ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં નોંધપાત્ર વધારો કર્યો છે. 1 નવેમ્બર 2023થી 19 કિલોનો LPG ગેસ સિલિન્ડર 100 રૂપિયાથી વધુ મોંઘો થયો છે. જોકે, 14.2 kg LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

IOCLની વેબસાઈટ અનુસાર, આજથી રાજધાની દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1,833 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જે પહેલા 1731 રૂપિયામાં મળતો હતો. અન્ય મેટ્રોની વાત કરીએ તો મુંબઈમાં તેની કિંમત વધીને 1785.50 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1684 રૂપિયા હતી. જ્યાં કોલકાતામાં તે 1839.50 રૂપિયાના બદલે 1943.00 રૂપિયામાં વેચવામાં આવશે, જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત 1999.50 રૂપિયા થઈ ગયો છે, જે અત્યાર સુધી 1898 રૂપિયા હતો.

એક તરફ સરકારે ગયા મહિને 14 કિલોના એલપીજી સિલિન્ડર પર રાહત આપી તો બીજી તરફ પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં એક મહિનામાં 300 રૂપિયાથી વધુનો વધારો કરીને મોંઘવારીનો બોમ્બ ફોડ્યો છે. 1 ઓક્ટોબરે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં લગભગ 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને એક મહિના પછી 1 નવેમ્બરે તેમાં વધુ વધારો કરવામાં આવ્યો હતો. કોલકાતામાં સિલિન્ડરની કિંમતમાં સૌથી વધુ 103.50 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે.


Related Posts

Load more