આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સી ભારતમાં 3 દિવસના ‘GOAT ઇન્ડિયા’ પ્રવાસ પર છે. શનિવારે પ્રવાસના પહેલા દિવસે તેઓ કોલકાતા અને હૈદરાબાદમાં ચાહકોને મળ્યા. જ્યારે આજે મુંબઈમાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અને ફૂટબોલર સુનીલ છેત્રીને મળશે. આ દરમિયાન ઘણા મોટા સેલિબ્રિટી મેસ્સીને મળવા માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચી શકે છે.
શનિવારે મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યે મેસ્સી કોલકાતા એરપોર્ટ પહોંચ્યો. સવારે 11 વાગ્યે તેણે પોતાના 70 ફૂટ ઊંચા સ્ટેચ્યુનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન પણ હાજર રહ્યો. સોલ્ટ લેક સ્ટેડિયમમાં તે લગભગ 1 કલાક રોકાવાનો હતો, પરંતુ 22 મિનિટ પછી જ ત્યાંથી નીકળી ગયો. આનાથી ગુસ્સે થયેલા ચાહકોએ સ્ટેડિયમમાં ખુરશીઓ ફેંકીને તોડફોડ શરૂ કરી દીધી. જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ પણ સર્જાઈ.
મેસ્સી બપોરે 2 વાગ્યે કોલકાતાથી નીકળ્યો અને સાંજે લગભગ 5 વાગ્યે હૈદરાબાદ પહોંચ્યો. તે રાત્રે 8 વાગ્યે ઉપ્પલ સ્ટેડિયમ પહોંચ્યો. અહીં સાથી ખેલાડીઓ રોડ્રિગો ડી પોલ અને લુઈસ સુઆરેઝ સાથે મળીને તેણે દર્શકો તરફ ફૂટબોલ ફેંકી. આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ મેસ્સીને મળ્યા.